જામનગરનું રણમલ તળાવ

વન્યજીવ પ્રેમીઓ માટે એક સારા સમાચાર છે. પાંચ વર્ષના સમયગાળા બાદ જામનગર જિલ્લામાં આવેલો પીરોટન ટાપુ મુલાકાત ફરી ખોલવામાં આવ્યો છે. જામનગર પાસે આવેલો આ ટાપુ દરિયાઈ જૈવવિવિધતાના સ્થળ તરીકે જાણીતો છે. જો કે, તેની મુલાકાત લેનારાઓએ પહેલા વન વિભાગ પાસેથી .પરવાનગી લેવી પડશે અને અમુક શરતોનું પાલન કરવા માટે સંમત થવું પડશે.

વન વિભાગે જિલ્લા વહીવટી તંત્ર, ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને ઈન્ડિયન કોસ્ટ ગાર્ડ સાથે ચર્ચા કર્યા બાદ કેટલીક શરતો સાથે આ ટાપુની મુલાકાત માટે કેટલીક માર્ગદર્શિકા બનાવી છે. ટાપુ મુલાકાતીઓ માટે વર્ષ 2010થી 2015 સુધી બંધ હતો અને બાદમાં ફરીથી ડિસેમ્બર, 2017થી બંધ કરવામાં આવ્યો હતો. થોડા વર્ષો પહેલા ઘુસણખોરી અને ગેરકાયદે પ્રવૃતિઓની અનેક ફરિયાદો સામે આવ્યા બાદ ટાપુ પર મુલાકાતીઓ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

વન વિભાગના જણાવ્યા પ્રમાણે, એક દિવસમાં 100થી વધુ લોકોને ટાપુની મુલાકાત લેવાની મંજૂરી આપવામાં આવશે નહીં. મુલાકાતનો સમય સૂર્યોદય અને સૂર્યાસ્ત વચ્ચેનો રહેશે. નિયમો અનુસાર, પખવાડિયામાં માત્ર ત્રણ દિવસ જ મુલાકાતીઓને મંજૂરી અપાશે કારણ કે અન્ય દિવસોમાં વધુ ભરતીના કારણે સૂર્યાસ્ત પહેલા પરત ફરવું શક્ય નથી. મુલાકાતીઓને વન કર્મચારીઓની દેખરેખ હેઠળ અથવા નિષ્ણાતોના માર્ગદર્શન હેઠળ અને ફક્ત નોંધાયેલી બોટમાં જ ટાપુ પર જવાની મંજૂરી આપવામાં આવશે. સલામતીના કારણોસર કોઈ મુલાકાતીઓને ફિશિંગ બોટમાં ટાપુ પર જવા દેવામાં આવશે નહીં.