ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી પહેલા પાટીદાર અગ્રણી અને ખોડલધામના ચેરમેન નરેશ પટેલ કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળોથી રાજકીય માહોલ ગરમાયેલો છે. એવામાં ચાર દિવસની ગુજરાત મુલાકાતે આવેલા કોંગ્રેસ પ્રભારીના નિવેદને આગને હવા આપવાનું કામ કર્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રભારી ડૉ. રઘુ શર્માએ નરેશ પટેલને કોંગ્રેસમાં જોડાવાનું ખુલ્લું આમંત્રણ આપતાં કહ્યું હતું કે, કોંગ્રેસના વિચારોને વરેલા તમામ સમાજના આગેવાનોનું સ્વાગત છે. સાથે જ ડૉ. શર્માએ પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની ઘરવાપસી અને PAASના આગેવાન અલ્પેશ કથીરિયાના પણ કોંગ્રેસમાં પ્રવેશના સંકેત આપ્યા હતા.

કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરે નરેશ પટેલના પાર્ટીમાં પ્રવેશ માટે ચર્ચા ચાલી રહી હોવાનું કહીને પ્રભારીના નિવેદનને સમર્થન આપ્યું હતું. તેમણે કહ્યું કે, માત્ર નરેશભાઈ જ નહીં અન્ય સમાજના આગેવાનો સાથે પણ જુદા-જુદા સ્તરે વાટાઘાટો ચાલી રહી છે અને આગામી થોડા દિવસોમાં ચિત્ર સ્પષ્ટ થઈ જશે. નરેશ પટેલના કોંગ્રેસ પ્રવેશની અટકળોથી રાજકીય માહોલ ગરમ છે.

રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી આગામી ડિસેમ્બરમાં યોજાય તેવા રાજકીય સંકેતોને પગલે ગુજરાતમાં જુદા-જુદા સમાજના લોકોને પોતાની તરફ ખેંચવાની કવાયત ભાજપ-કોંગ્રેસ કરી રહ્યું છે. થોડા દિવસ પહેલા ભાજપમાં જાણીતા લોકગાયકનો પ્રવેશ થયો હતો. બીજી તરફ આમ આદમી પાર્ટીમાં જોડાયેલા સુરતના અગ્રણી ઉદ્યોગપતિ મહેશ સવાણીએ આપનો સાથ છોડી દેતાં ભાજપ-કોંગ્રેસ સવાણી સહિતના આગેવાનોને પોતાના પક્ષમાં લાવવા પ્રયત્નશીલ છે.