Yui Mok/Pool via REUTERS/File Photo

ઇઝરાયેલ-ગાઝા સંઘર્ષ વચ્ચે વડા પ્રધાન ઋષિ સુનકે બ્રિટનમાં વસતા યહુદી સમુદાયને આશ્વાસન આપવા માટે તા. 16ના રોજ નોર્થ લંડનમાં આવેલી એક યહૂદી સેકન્ડરી સ્કૂલની મુલાકાત લઇ બ્રિટનના યહૂદીઓને સેમિટિક હુમલાઓથી બચાવવા માટે તેમની સરકારની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો હતો. બીજી તરફ લંડનમાં વિકેન્ડના પેલેસ્ટાઇન તરફી પ્રદર્શનો દરમિયાન 15 લોકોની ધરપકડ કરાઇ હતી અને ત્રણ લોકો પર ફોજદારી ગુનાનો આરોપ મૂકાયો છે. અન્ય ત્રણને યુથ ઓફેન્ડિંગ ટીમમાં મોકલવામાં આવ્યા છે. ટ્રફાલ્ગર સ્ક્વેરમાં પોલીસ અધિકારીઓ પર હુમલા કરાતા નવ અધિકારીઓને નાની-મોટી ઈજાઓ થતાં સારવાર આપવામાં આવી હતી.

સુનકે મુલાકાત દરમિયાન એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે પ્રદેશમાં સંઘર્ષની વૃદ્ધિને ટાળવા માટે ઇઝરાયેલની કામગીરી આતંકવાદી જૂથ હમાસ પર કેન્દ્રિત હોવી જોઈએ. તેમણે યુકે દ્વારા પૂર્વીય ભૂમધ્ય પ્રદેશમાં તૈનાત કરાયેલા જાસૂસી વિમાનો તરફ ધ્યાન દોર્યું હતું અને હથિયારોના શિપમેન્ટને આતંકવાદીઓના હાથમાં આવતા અટકાવ્યા.

સુનકે કહ્યું હતું કે “હું એ સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છું કે આપણો યહૂદી સમુદાય આપણી શેરીઓમાં પોતાની જાતને સુરક્ષિત અનુભવી શકે. આપણા સમાજમાં સેમિટિઝમ માટે કોઈ સ્થાન નથી, અને અમે તેને દૂર કરવા અમે શક્ય તેટલું બધું કરીશું. હું તમારા બધા સાથે, યહૂદી સમુદાય સાથે હંમેશ માટે ઉભો છું. હું એક અલગ પૃષ્ઠભૂમિમાંથી આવું છું પણ જ્યારે વિવિધતા હોય છે ત્યારે આપણો સમાજ સૌથી મજબૂત હોય છે. એવા લોકો છે જે નફરત અને વિભાજનને ઉત્તેજીત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ હું હંમેશા તે વિવિધતાને બચાવવા માટે ખૂબ જ સખત પ્રયત્ન કરીશ.”

સુનકે કહ્યું હતુ કે “અમે ગયા અઠવાડિયે પૂર્વીય ભૂમધ્ય સમુદ્રમાં સર્વેલન્સ એરક્રાફ્ટ મોકલ્યા છે. જે ખાતરી કરી શકશે કે શસ્ત્રોનું કોઈ શિપમેન્ટ આ પ્રદેશમાં અન્ય આતંકવાદી સંગઠનોને મોકલવામાં ન આવે. અમે માટે વધારાનું ભંડોળ પણ આપનાર છીએ.’’

વડા પ્રધાને સભાને આશ્વાસન આપ્યું હતું કે સરકારે પોલીસને પેલેસ્ટાઈન તરફી વિરોધ પ્રદર્શન માટે જરૂરી “તમામ સાધનો, શક્તિઓ અને માર્ગદર્શન” આપ્યા છે. યુકે સરકાર દ્વારા હમાસને આતંકવાદી સંગઠન તરીકે ટેકો આપવામાં આવ્યો છે, હમાસ ગેરકાયદેસર છે અને તેને ટેકો આપનારને 14 વર્ષ સુધીની જેલની સજા થઈ શકે છે.

લંડનમાં વિકેન્ડ દરમિયાન પેલેસ્ટાઇન તરફી પ્રદર્શનો માટે સક્રિય કામગીરી કરનાર પોલીસનો આભાર માનતા યુકેના હોમ સેક્રેટરી સુએલા બ્રેવરમેને હમાસ અથવા યહૂદી વિરોધી લાગણીઓને સમર્થન દર્શાવનારાઓને કડક ચેતવણી આપતા સોસ્યલ મિડીયા પર લખ્યું  હતું કે “અવ્યવસ્થા, હિંસા અને નફરતના કિસ્સાના પરિણામે અસંખ્ય ધરપકડો કરવામાં આવી હતી. જેઓ નરસંહારને પ્રોત્સાહન આપવા, આતંકવાદનો મહિમા કરતા અને સ્ત્રીઓ – બાળકો સહિત યહૂદી લોકોની હત્યાની મજાક ઉડાવતા લોકો માટે પોલીસ આવી રહી છે.”

સરકારે પોલીસ વડાઓ સાથે બેઠક કર્યા બાદ અને દેશમાં યહૂદી વિરોધી હુમલાઓમાં વધારો થતા યહુદીઓના કોમ્યુનિટી સિક્યુરીટી ટ્રસ્ટને યહૂદી સમુદાયની સુરક્ષા માટે £3 મિલિયનની જાહેરાત કરી હતી.

સુનકે રવિવારે ડાઉનિંગ સ્ટ્રીટ ખાતે જોર્ડનના રાજા અબ્દુલ્લા II નું સ્વાગત કર્યું હતું અને જણાવ્યું હતું કે તેઓ આગામી દિવસોમાં મધ્ય પૂર્વના નેતાઓ સહિત આંતરરાષ્ટ્રીય ભાગીદારો સાથે વધુ વાટાઘાટો કરવાના છે.

LEAVE A REPLY

2 × two =