Supreme court

તાજેતરમાં સુપ્રીમ કોર્ટના જજ તરીકે નિયુક્ત થયેલા જસ્ટિસ અભય એસ ઓકાએ જણાવ્યું હતું કે હાલમાં ભારતના ન્યાયતંત્ર સામે “વિશ્વાસની કટોકટી”નો પડકાર છે અને ન્યાયતંત્રના સભ્યોએ સુનિશ્ચિત કરવું જોઇએ કે કોરોના મહામારીને કારણે કેસોના થયેલા ભરાવાનો નિકાલ થાય. કોરાની ત્રીજી લહેર આવે તો પણ કાનૂની પ્રક્રિયા સામે અવરોધ ન આવે અને લોકોને ન્યાય મળે તે માટે કામગીરી કરવી જોઇએ.

થાણે ડિસ્ટ્રિક્સ કોર્ટ બાર એસોસિયેશનના એક કાર્યક્રમમાં તેઓ બોલી રહ્યાં હતા. દેશની સર્વોચ્ચ અદાલતમાં જજ તરીકે નિયુક્તી બદલ જસ્ટિસ ઓકાનું આ કાર્યક્રમમાં સન્માન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે જસ્ટિસ ઓકાએ જણાવ્યું હતું કે ભારતના ન્યાયતંત્ર સામે વિશ્વાસની કટોકટીનો પડકાર છે. કોરાની ત્રીજી લહેર આવે તો પણ ન્યાયિક અધિકારીઓ અને વકીલોએ સુનિશ્ચિત કરવું જોઇએ કે કાનૂની પ્રક્રિયા સામે અવરોધ ન આવે અને લોકોને ન્યાય મળે. ન્યાયતંત્રના સભ્યોએ ન્યાયતંત્રમાં દેશના નાગરિકોના વિશ્વાસને પુનઃસ્થાપિત કરવા માટે કાર્ય કરવું જોઇએ.

તેમણે કર્ણાટક હાઇ કોર્ટનું ઉદાહરણ આપીને જણાવ્યું હતું કે ન્યાયમૂર્તિઓએ કેસોના ભરાવોના નિકાલ માટે મહામારી દરમિયાન 11 શનિવારે કામ કરવાનો નિર્ણય કર્યો હતો. બીજી કોર્ટે પણ આવો માર્ગ અપનાવી શકે છે.
ભારતમાં જજ અને વસતિના રેશિયાનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે ભારતમાં હાલ 10 લાખની વસતિએ 17થી 18 જજ છે. કોર્ટમાં ન્યાયમૂર્તિની અછતના મુદ્દાનો ઉકેલ લાવવાની જરૂર છે અને આ રેશિયામાં સુધારો કરવો જોઇએ.
પોતાના પ્રવચનમાં જસ્ટિસ ઓકાએ પોતાની જીવનયાત્રાને યાદ કરતા જણાવ્યું હતું કે તેમણે 1983માં થાણેમાં એડવોકેટ તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો હતો અને હાલમાં સુપ્રીમ કોર્ટના જજ બન્યા છે. જસ્ટિસ ઓકા 2003માં બોમ્બે હાઇ કોર્ટના એડિશનલ જજ બન્યાં હતા. તેઓ 2019માં કર્ણાટક હાઇ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યાં હતા.