મધ્યપ્રદેશમાં ચાલી રહેલા રાજકીય ઉથલપાથલ વચ્ચે મંગળવારે જ્યોતિરાદિત્ય સિંધિયાએ કોંગ્રેસના પ્રાથમિક સભ્યપદેથી રાજીનામું આપી દીધું છે.આ ઉપરાંત કોંગ્રેસના અન્ય 19 ધારાસભ્યોએ પણ રાજીનામું ધરી દીધું છે. અગાઉ કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત કરી હતી. સિંધિયા અમિતશાહની કારમાં બહાર નીકળ્યા છે. આ મુલાકાત બાદ સિંધિયાની કોંગ્રેસમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાવવાની અટકળો ચાલી રહી હતી. આજે માધવરાવ સિંધિયાની 75મી જયંતીની ઉજવણી કરી રહ્યા છે.

માનવામાં આવી રહ્યું કે આ અવસરે તેમણે મોટી જાહેરાત કરી દીધી છે. શાહ અને મોદી સાથેની મુલાકાત બાદ 12.10 વાગ્યે સિંધિયાએ ટ્વીટ પર પોતાનું રાજીનામું શેર કરી દીધું હતું. ત્યારબાદ 20 મિનિટ બાદ એટલે કે 12.30 વાગ્યે જ કોંગ્રેસે તેમને પાર્ટીમાંથી બહાર કરાયા હોવાનું ટ્વીટ કર્યું હતું. સિંધિયાએ રાજીનામામાં લખ્યું કે, ડિઅર મિસિસ ગાંધી, હું છેલ્લા 18 વર્ષોથી પાર્ટીનો પ્રાથમિક સભ્ય છું. હવે સમય થઈ ગયો છે કે મારે નવી શરૂઆત સાથે આગળ વધવું જોઈએ.

હું ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની પ્રાથમિક સભ્યતામાંથી રાજીનામું આપી રહ્યો છું અને તમે જાણો જ છો કે આ એ રસ્તો છે જે ગત વર્ષે મેં જાતે બનાવવાનો શરૂ કર્યો હતો. જો કે જન સેવાનું મારું લક્ષ્ય એવું જ રહેશે જે પહેલાથી હતું, હું મારા રાજ્ય અને દેશના લોકોની એ પ્રકારે સેવા કરતો રહીશ, મને લાગે છે કે હું આગળ આ કામ આ પાર્ટીમાં રહીને કરવામાં સક્ષમ નહોતો. મારા લોકો અને મારા કાર્યકર્તાઓની ભાવનાઓને રજુ કરવા અને તેને વ્યક્ત કરવા માટે, મને લાગે છે કે આ સૌથી સારુ રહેશે કે હું આગળ વધું અને એક નવી શરૂઆત કરું.

મને દેશ સેવા માટે એક મંચ આપવા માટે હું આપ સૌનૌ આભાર માનું છું અને તમારા માધ્યમથી કોંગ્રેસ પાર્ટીના મારા સાથીઓને પણ ધન્યવાદ આપું છું. આ પહેલા સિંધિયા તેમના ઘરેથી સીધા અમિત શાહને મળવા માટે પહોંચ્યા હતા. ત્યારબાદ ત્યાંથી જ શાહ સાથે પીએમ મોદીને મળવા માટે પહોંચ્યા હતા. પીએમ મોદીના આવાસ પર આ બેઠક સવારે 10.45 વાગ્યાથી ચાલી રહી હતી.

આ સાથે જ સોનિયાએ દિલ્હીમાં તેમના આવાસ પર બેઠક બોલાવી છે, જેમાં પાર્ટીના ઘણા દિગ્ગજ નેતા પહોંચ્યા છે. સૂત્રોના જણાવ્યા પ્રમાણે, કોંગ્રેસ સિંધિયા પર કાર્યવાહી કરી શકે છે. તો બીજી તરફ સિંધિયાના મોદીને મળ્યા બાદ ભોપાલમાં મુખ્યમંત્રી આવાસ પર પણ હલચલ વધી ગઈ છે. બાલા બચ્ચન, હુકુમ સિંહ કરાડા, સજ્જન સિંહ વર્મા સહિત ઘણા મંત્રી મળવા પહોંચ્યા હતા.