મહીસાગર જીલ્લાના કડાણા ડેમની જળસપાટી ઓછી થતા ડેમની વચ્ચોવચ ડુંગરની ગુફામાં આવેલ નદીનાથ મહાદેવ મંદિરનું દ્વાર ખુલતાં શિવભક્તોએ હર્ષોલ્લાસ વ્યકત કર્યો છે. મહીસાગર જિલ્લામાં કડાણા ડેમની વચ્ચે આવેલ ડુંગરની ગુફામાં ભેકોટલીયા બાવજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિર આવેલ છે. જે ડેમના નિર્માણ દરમિયાન ડુબાણમાં ગયું હતું. લોકવાયકા મુજબ કડાણા ડેમના નિર્માણ પહેલા અહીંયા મહી-પુનમ ભાદરવી પૂનમે મોટો મેળો ભરાતો હતો. જેમાં મોટી સંખ્યામાં લોકો આવતા હતા પરંતુ ત્યાર બાદ ડેમના નિર્માણ થતાં ગુફામાં આવેલ ભેકોટલીયા બાવજી મંદિર તેમજ નદીનાથ મહાદેવ મંદિરનું મંદિર ડૂબી જવા પામેલ છે. ત્યારે ૨૦ વર્ષ બાદ ગત વર્ષના શ્રાવણ માસમાં કડાણા ડેમમાં પાણીની સપાટી ઓછી થતાં આઠસો થી નવસો વર્ષ પુરાણું આ ઔલોકિક શિવજીનું આ ગુફા મંદિર ખૂલ્યું હતું અને આ વર્ષે ફરી એક વાર ખુલતાં શિવભક્તો આનંદવિભોર બન્યા છે. કડાણા ડેમ નિર્માણને ૫૦થી વધુ વર્ષ વીત્યા છે ત્યારે અનેક વખત મહીસાગર નદીએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યાં બાદ પણ ગુફામાં આવેલ શિવલિંગ એના એ જ સ્થાને અડગ રહેતાં શ્રદ્ધાળુઓમાં ગુફામાં બિરાજમાન નદીનાથ મહાદેવ પ્રત્યે વિશેષ આસ્થા અને અતૂટ શ્રદ્ધા જોડાયેલી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ પૌરાણિક આ મંદિર કડાણા ડેમ બનતાં ડુબાણમાં ગયેલ છે, જેથી આ મંદિરની સ્થાપના ઘોડીયાર અને કડાણા બે જગ્યાએ કરવામાં આવેલ છે.