યુનાઇટેડ નેશન્સ સિક્યુરિટી કાઉન્સિલની (UNSC)નું ભારત નેતૃત્ત્વ સંભાળશે. આ દરમિયાન ત્રણ મુખ્ય ક્ષેત્રો- સમુદ્રી સુરક્ષા, શાંતિ સ્થાપવા અને આતંકવાદને નાથવા માટેના વિશેષ કાર્યક્રમોના આયોજન કરવા માટે પણ ભારત તૈયાર છે. ભારત આ વૈશ્વિક જવાબદારી 2 ઓગસ્ટથી સંભાળશે.
યુનાઇટેડ નેશન્સમાં ભારતના સ્થાયી પ્રતિનિધિ રાજદૂત ટી એસ તિરુમૂર્તિએ 15 રાષ્ટ્રોની શક્તિશાળી કાઉન્સિલની ભારત દ્વારા અધ્યક્ષતા સંભાળવાની પૂર્વ સંધ્યા પર એક વીડિયો સંદેશમાં કહ્યું કે આપણે જે માસમાં આપણો 75મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યા છે જે તે જ માસમાં કાઉન્સિલનું નેતૃત્વ કરવું એ આપણા માટે વિશેષ સન્માન છે.
ભારતના નેતૃત્વનો પ્રથમ દિવસ સોમવાર, 2 ઓગસ્ટ હશે જ્યારે તિરુમૂર્તિ કાઉન્સિલના કાર્યક્રમો પર યુએન હેડક્વાર્ટરમાં પ્રેસ કોન્ફરન્સ કરશે. યુનાઇટેડ નેશન્સ દ્વારા જારી થયેલા કાર્યક્રમ મુજબ તિરુમૂર્તિ તે સભ્ય દેશોને પણ કાર્ય વિવરણ ઉપલબ્ધ કરાવશે જે કાઉન્સિલના સભ્ય નથી.
કાઉન્સિલના અસ્થાયી સભ્ય તરીકે ભારતનો બે વર્ષનો કાર્યકાળ એક જાન્યુઆરી 2021ના રોજ શરૂ થયો હતો. ઓગસ્ટની અધ્યક્ષતા કાઉન્સિલના અસ્થાયી સભ્ય તરીકે 2021-22 કાર્યકાળ માટે ભારતની પ્રથમ અધ્યક્ષતા હશે. ભારત પોતાના બે વર્ષના કાર્યકાળના અંતિમ માસ એટલે કે આગામી વર્ષ ડિસેમ્બરમાં ફરીથી કાઉન્સિલની અધ્યક્ષતા કરશે.
પોતાના નેતૃત્ત્વ દરમિયાન ભારત ત્રણ મોટા ક્ષેત્રો સમુદ્રી સુરક્ષા, શાંતિની સ્થાપના અને આતંકવાદ રોકવા બાબતે ત્રણ ઉચ્ચ સ્તરીય મુખ્ય કાર્યક્રમોનું આયોજન કરશે. વીડિયો સંદેશમાં તિરુમૂર્તિએ કહ્યું કે સમુદ્રી સુરક્ષા ભારતની ઉચ્ચ પ્રાથમિકતા છે. તેમણે કહ્યું કે આતંકવાદ વિરુદ્ધ લડતમાં સૌથી આગળ રહેતા દેશ તરીકે ભારત આતંકવાદ રોકવાના પ્રયત્નો પર સતત ભાર આપતો રહેશે.