આસામના ગૌહાટી ખાતેના કામાખ્યામંદિરમાં 20 જૂન 2018ના રોજ ઇન્ટરનેશનલ યોગ દિને ભક્તો યોગ કરી રહ્યા છે. આ પ્રખ્યાત મંદિરને હવે 24 સપ્ટેમ્બરથી ફરી ખોલવામાં આવશે. (Getty Images)

આસામના ગૌહાટી ખાતે આવેલા મહાશક્તિપીઠ કામાખ્યા મંદિરના દરવાજા 24 સપ્ટેમ્બરથી શ્રદ્ધાળુ માટે ખૂલી ખૂલશે. કામાખ્યા ટેમ્પલ કમિટીએ કામાખ્યા શક્તિપીઠને 24 સપ્ટેમ્બરથી ભક્તો માટે ફરી ખોલવાની બાબતને પુષ્ટી આપી છે. 17 માર્ચથી બંધ રહેલા મંદિરને ફરી ખોલવા માટે ટ્રસ્ટે તૈયારી શરૂ કરી દીધી છે. મંદિરમાં દર્શન માટે ખૂબ જ કડક ગાઇડલાઇન્સ નક્કી કરાઈ છે.

24 સપ્ટેમ્બરથી મંદિરમાં આખા દિવસમાં લગભગ 500 લોકોને પ્રવેશ મળશે. મંદિરમાં કોઈપણ વ્યક્તિ 15 મિનિટથી વધારે રહી શકશે નહીં. મંદિર ટ્રસ્ટના જણાવ્યાં પ્રમાણે, લોકડાઉન પહેલાં 1,500થી 2,000 લોકો રોજ દર્શન કરવા આવતા હતા.. સામાન્ય રીતે તહેવારોની સિઝનમાં 20થી 25 લાખ લોકો આવે છે. ખાસ કરીને અંબુવાચી ઉત્સવ, જે જૂન મહિનામાં યોજાય છે, આ દરમિયાન મંદિરમાં ભક્તોની ભીડ હોય છે. મંદિરમાં આવતા લોકોનો રેપિડ એન્ટીજન ટેસ્ટ પણ થશે. એના માટે એક મેડિકલ ટીમ મંદિરમાં રહેશે.
મંદિરમાં દર્શન માટે ઓછામાં ઓછા એક દિવસ પહેલાં ઓનલાઇન બુકિંગ થશે અને મંદિર તરફથી દર્શન માટે સમય આપવામાં આવશે એક સમયે મંદિરની અંદર સો લોકોથી વધુને પ્રવેશ મળી શકશે નહીં. દર્શન માટે કોરોના રિપોર્ટ નેગેટિવ હોવો જોઈએ. મંદિરમાં કોઈપણ ભક્ત 15 મિનિટથી વધારે રોકાઈ શકશે નહીં. મંદિરને દર બે કલાકે સેનિટાઇઝ કરવામાં આવશે.

કોરોના સંબંધિત લોકડાઉન દરમિયાન મંદિર 17 માર્ચના રોજ બંધ કરી દેવામાં આવ્યું હતું. એને કારણે ટ્રસ્ટને ઘણું નુકસાન ભોગવવું પડ્યું છે. મંદિરમાં દાનની આવક આ સમયે લગભગ ના બરાબર જ છે. છેલ્લા 6 મહિનામાં મંદિરની આર્થિક સ્થિતિ ખૂબ જ પ્રભાવિત થઈ છે.