(Getty Images)

અમેરિકાના જાણીતા ટાઈમ મેગેઝિનની વર્ષ 2020 માટે વિશ્વના સૌથી વધુ પ્રભાવશાળી હસ્તીઓની યાદીમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકાના પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પને સ્થાન મળ્યું છે. આ યાદીમાં બોલિવૂડ એક્ટર આયુષ્યમાન ખુરાના, ગુગલના સીઈઓ સુંદર પિચાઈ, HIV પર રિસર્ચ કરનાર રવિંદર ગુપ્તા અને શાહીનબાગમાં ધરણાં પર બેસનાર બિલ્કિસનું પણ નામ સામેલ છે. આ વિશ્વવિખ્યાત મેગેઝિનની પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં મોદીને અત્યાર સુધી ચાર વખત સ્થાન મળ્યું છે.

આયુષ્યમાન ખુરાના આ યાદીમાં સામેલ થનાર એકમાત્ર ભારતીય ફિલ્મ અભિનેતા છે. 2012માં વિકી ડોનર ફિલ્મથી કારકિર્દી શરૂઆત કરનાર આયુષ્યમાન ખુરાનાએ અનેક પડકારનજક ફિલ્મો કરી છે. ફિલ્મ અંધાધૂંધ માટે તેને નેશનલ એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યો હતો.

ટાઈમની સૌથી પ્રભાવશાળી વ્યક્તિઓની લિસ્ટમાં નરેન્દ્ર મોદી ઉપરાંત ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ, તાઈવાનના રાષ્ટ્રપતિ ત્સાઈ ઈંગ વેન, કમલા હેરિસ, જો બાયડન, જર્મન ચાન્સેલર એન્જેલા માર્કેલ સહિત દુનિયાભરનાં અનેક નેતાઓ સામેલ છે.
ટાઈમ મેગેઝિને વડાપ્રધાન મોદી અંગે જણાવાયું છે કે લોકશાહીની ચાવી મુક્ત ચૂંટણી નથી. તેમાં ફક્ત એ ખ્યાલ આવે છે કે કોને સૌથી વધારે મત મળ્યા છે. ભારત સાત દાયકાઓ કરતાં પણ વધારે સમય સુધી દુનિયાનું સૌથી મોટું લોકતંત્ર રહ્યું છે. ભારતની 1.3 અબજની વસતિમાં દરેક ધર્મનાં લોકો સામેલ છે.