વિપક્ષ કોન્ઝર્વેટીવ પક્ષના નેતા કેમી બેડેનોકે દિવાળી પર્વે 22 ઓક્ટોબરના રોજ BAPS શ્રી સ્વામિનારાયણ મંદિર, નીસડનની મુલાકાત લઇ હિન્દુ સમુદાયને શુભેચ્છા પાઠવી બ્રિટિશ હિન્દુ સમુદાયના મૂલ્યો અને સમાજમાં યોગદાનની પ્રશંસા કરી હતી.
સુશ્રી બેડેનોકનું મંદિરના વરિષ્ઠ અગ્રણીઓ અને સમુદાયના પ્રતિનિધિઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમણે મંદિરના કલાત્મક કોતરકામ અને અદભુત અન્નકૂટના દર્શન કર્યા હતા. આ પ્રસંગે તેમની સાથે શેડો ફોરેન સેક્રેટરી પ્રિતિ પટેલ પણ જોડાયા હતા.
મુલાકાત દરમિયાન, તેમણે સીન નદી અને પ્રતિષ્ઠિત પેરિસિયન સીમાચિહ્નો પર કેન્દ્રિત એક સર્જનાત્મક પ્રદર્શન જોયું હતું. આ પ્રદર્શન પેરિસમાં આગામી BAPS સ્વામિનારાયણ હિન્દુ મંદિરને અનુલક્ષીને તૈયાર કરાયું છે જેનું 2026માં ઉદ્ઘાટન થવાનું છે અને તે ફ્રાન્સનું પ્રથમ પરંપરાગત હિન્દુ મંદિર હશે.
બેડેનોકે કહ્યું હતું કે “આ ભવ્ય નીસડન મંદિરમાં આ આનંદદાયક ઉજવણીમાં તમારી સાથે જોડાવું એ મારા માટે વ્યક્તિગત સન્માનની વાત છે. તે બ્રિટિશ વિવિધતા અને શ્રદ્ધાના ઉજવણીનો પુરાવો છે. બ્રિટનમાં હિન્દુ સમુદાય ઉદ્યોગ, શિક્ષણ, દાન અને સેવા દ્વારા આપણા રાષ્ટ્રને સમૃદ્ધ બનાવે છે. શ્રદ્ધા, કુટુંબ અને સેવાના તમારા મૂલ્યો બ્રિટનના શ્રેષ્ઠતમ – સખત મહેનત, કરુણા અને એકતાને પ્રતિબિંબિત કરે છે.”
બેડેનોકે પરિવારો અને સ્વયંસેવકો સાથે વાતચીત કરી હતી અને પ્રસંગનો ઉપયોગ BAPS ની નિઃસ્વાર્થ સમુદાયીક સેવા અને બ્રિટિશ સમાજમાં સકારાત્મક યોગદાન બદલ પ્રશંસા વ્યક્ત કરવા માટે કર્યો હતો. આ પ્રસંગે તેમને એક ખાસ સ્મૃતિચિહ્ન અર્પણ કરવામાં આવ્યું હતું.















