કર્ણાટકની કોંગ્રેસ સરકારે ગુરુવારે ધોરણ 6 થી 10ના કન્નડ અને સામાજિક વિજ્ઞાન પાઠ્યપુસ્તકોમાંથી આરએસએસના સ્થાપક કે બી હેડગેવાર અને હિન્દુત્વના વિચારક વીર સાવરકર સહિતના અન્ય લોકો પરના પ્રકરણો દૂર કરવાનો પણ નિર્ણય કર્યો હતો. ચાલુ શૈક્ષણિક વર્ષથી આ પાઠ્યપુસ્તકોમાં સુધારા કરાશે. કેબિનેટે સમાજ સુધારક સાવિત્રીબાઈ ફૂલે, ઈન્દિરા ગાંધીને નેહરુના પત્રો અને આંબેડકર પરની કવિતાના પ્રકરણો ઉમેરવાનો પણ નિર્ણય કર્યો છે. અહીં ઉલ્લેખનીય છે કે અગાઉની ભાજપ સરકારે કે બી હેડગેવાર અને વીર સાવરકર અંગેના પ્રકરણોનો ઉમેરો કર્યો હતો.
કર્ણાટકની સરકારના નિર્ણયો અંગે આકરી પ્રતિક્રિયા આપતા ભાજપે કોંગ્રેસને નવી મુસ્લિમ લીગ ગણાવી હતી અને સવાલ કર્યો હતો કે શું આ રાજીવ ગાંધીની મોહબ્બતની દુકાન છે. ભાજપના વરિષ્ઠ નેતા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન બસનાગૌડા આર પાટીલ (યતનાલ)ને જણાવ્યું હતું કે મુખ્યમંત્રી સિદ્ધારમૈયાના હિંદુ વિરોધી એજન્ડાનો પર્દાફાશ થયો છે. શું તમે ઈચ્છો છો કે હિંદુઓનો નાશ થાય? ધર્માંતરણ માફિયાઓએ સિદ્ધારમૈયા અને તેમની કેબિનેટ પર ભાજપ દ્વારા રજૂ કરાયેલ ધર્મ પરિવર્તન વિરોધી કાયદો પાછો ખેંચવાનું દબાણ કર્યું હતું.













