ફોટો સૌજન્ય ફેસબુક @ibhupendrapatel

જૂનાગઢમાં સંત પૂજ્ય કાશ્મીરી બાપુનું રવિવાર, છ ફેબ્રુઆરીએ અવસાન થયું હતું. તેમની ઉંમર 97 વર્ષની હતી. સંત કાશ્મીરી બાપુ છેલ્લા ઘણા સમયથી બીમાર હતા. થોડા દિવસો પહેલા જ ખાનગી હોસ્પિટલમાં તેઓ સારવાર હેઠળ હતા. ગિરનારમાં વર્ષો સુધી દત્ત અને દાતારની તપોભૂમિમાં તપ અને સાધના કરીને હજારો-લાખો સેવકોના દિલમાં રહેતા એવા કાશ્મીરીબાપુના હુલામણા નામથી પ્રચલિત થયેલા બાપુનું મુળ નામ ઓમકારગીરી ગુરુ નિરંજનદેવ હતું.

તેઓ વર્ષોથી ગિરનાર તળેટી જંગલ વિસ્તારમાં આવેલ આમકુ ખાતેની જગ્યાના મહંત તરીકે સેવા-પૂજા કરતા હતા.
સંત કાશ્મીરી બાપુના દેહવિલય થતા ગિરનારના સાધુ સંતો અને ભાવિકોમાં ઘેરા શોકની લાગણી પ્રસરી ગઈ હતી. પાર્થિવદેહને અંતિમદર્શન માટે રખાયા બાદ સોમવાર બપોરના સમયે ગિરનાર તળેટી જંગલમાં આમકુ ખાતે આવેલા આશ્રમમાં જ શાસ્ત્રોક્ત વિધિ સાથે સમાધિ આપવામાં આવી હતી. આ સમયે ઉપસ્થિત સંતો-મહંતો અને સેવકોની આંખો ભીંજાઈ હતી.

સંત કાશ્મીરી બાપુએ યુવા અવસ્થામાં ગિરનાર પર દત્ત ભગવાનનું વર્ષો સુધી તપ કર્યું હતું. ગુજરાતના નેતાઓથી માંડીને વહીવટી તંત્ર અને પોલીસ વિભાગમાં ફરજ બજાવતા અધિકારીઓ પણ કાશ્મીરી બાપુના સેવક છે. ગિરનાર જતા લોકો કાશ્મીરી બાપુના આશ્રમની અવશ્ય મુલાકાત લે છે. ભવનાથ સંત કાશ્મીરી બાપુને ગિરનારની ગોદમાં સૌથી વયોવૃદ્ધ સંત માનવામાં આવતા હતા. વર્ષોથી તેઓ ગીરના જંગલો વચ્ચે અલખના ઓટલે ધર્મની ધૂણી ધખાવીને સતત તપશ્યામાં લીન રહ્યાં હતા.

સંત પૂ. કાશ્મીરી બાપુ બ્રહ્મલીન થતા ગુજરાતના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ, રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલ તેમજ કોંગ્રેસના ભૂતપૂર્વ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા સહિત અનેક નેતાઓએ કાશ્મીરી બાપુના નિધન પર દુ:ખ વ્યક્ત કર્યું હતું.