બલોચ રાજકીય અને માનવ અધિકાર કાર્યકર્તાઓએ ટોરેન્ટોમાં બલુચિસ્તાનમાં માનવહકોના ઉલ્લંઘનના મુદ્દે પાકિસ્તાન અને ચીન સામે વિરોધ દર્શાવ્યો તે સમયની ફાઇલ તસવીર (ANI Photo). (ANI Photo)

પાકિસ્તાનમાં આર્મી અને બલોચ વિદ્રોહીઓ વચ્ચે હિંસામાં 20 બલોચ વિદ્રોહીએ અને 9 સૈનિકોના મોત થયા હતા. પાકિસ્તાનના સુરક્ષા દળોએ બલુચિસ્તાનના પંજગુર અને નૌશકી જિલ્લામાં કરેલી કાર્યવાહીમાં હાથ ધરી હતી.અગાઉ પંજગુર અને નૌશકી જિલ્લામાં બલોચ લડવૈયાએ પાકિસ્તાનની સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો. આ હુમલાની પ્રતિક્રિયા રૂપે પાકિસ્તાનની સૈનાએ આ કાર્યવાહી કરી હતી, એમ પાકિસ્તાન મિલિટરીની મીડિયા વિન્ગ ઇન્ટર સર્વિસ પબ્લિક રિલેશન્સે એક નિવેદનમાં જણાવ્યું હતું.

મીડિયા વિંગને ટાંકીને એક અહેવાલમાં જણાવ્યું હતું કે આ બંને સ્થળો પર તાકીદની કાર્યવાહી મારફત બંને સ્થળોથી સફળાતપૂર્વક હુમલાખોરોને પાછા હટાવી દેવામાં આવ્યા છે. મીડિયા વિંગે દાવો કર્યો હતો કે નૌશકીમાં નવ ત્રાસવાદીના મોત થયા હતા, જ્યારે ચાર સૈનિકોના મોત થયા હતા. પંજગુરમાં સુરક્ષા દળોએ વિદ્રોહીઓને પાછા હાંકી કાઢ્યા હતા. બંને પક્ષો વચ્ચે જોરદાર સામ-સામી ગોળીબાર બાદ હુમલાખોરો આ વિસ્તારમાંથી ભાગી ગયા હતા. પાકિસ્તાનની મિલિટરીના જણાવ્યા અનુસાર ભાગી રહેલા ચાર હુમલાખોરોને ઠાર કરવામાં આવ્યા હતા અને બીજા ઘણા વિદ્રોહીઓને સુરક્ષાદળોએ ઘેરી લીધા હતા. ઘેરી લીધેલા બલોચ વિદ્રોહીઓએ શરણાગતિ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો અને શનિવારની કાર્યવાહીમાં માર્યા ગયા હતા.