લેસ્ટર ઇસ્ટ મતદાર મંડળના અધ્યક્ષની ચૂંટણીમાં ગયા સપ્તાહે પૂર્વ એમપી કીથ વાઝને અધ્યક્ષ તરીકે ચૂંટવામાં આવ્યા બાદ ઉભા થયેલા વિરોધ પછી લેસ્ટર ઇસ્ટ મતદાર મંડળના અધ્યક્ષની ચૂંટણી ફરીથી કરાશે તેવી માહિતીની ઇસ્ટ મિડલેન્ડ્સ લેબર પાર્ટીએ પુષ્ટિ આપી છે અને આગામી સપ્તાહમાં ફરીથી ચૂંટણી કરાશે તેવું પણ જણાવ્યું હતું.
પાર્ટીના કાર્યકરોએ આ મહિનાની શરૂઆતમાં મળેલી મીટિંગમાં લાંબા ગાળા સુધી આ પદે રહેલા સાથી કાઉન્સિલર અને કિથ વાઝના સમર્થક જોન થોમસને સ્થાને વાઝને આ પદ પર નિમ્યા હતા. કિથ વાઝ પર સંસદમાંથી છ મહિના માટે પ્રતિબંધ મૂકાયો હતો અને ડિસેમ્બરની ચૂંટણી પહેલા લેબર લેસ્ટર ઇસ્ટના ઉમેદવાર તરીકે વાઝે ઉભા નહીં રહેવાનો નિર્ણય લીધો હતો.
કેટલાક લેબર સભ્યોએ દાવો કર્યો હતો કે તેઓને મત આપવા દેવાયો નહોતો અને એક સભ્ય પર મીટિંગમાં હુમલો કરાયાના અહેવાલ છે. વર્તમાન સાંસદ ક્લાઉડિયા વેબ્બ તે દિવસે મતદાર મંડળની લેબર પાર્ટી (સીએલપી) બેઠકમાં હાજર નહોતા. વેબ્બની પસંદગીની ટીકા થઇ હતી અને લેબરની બહુમતી 22,000થી ઘટીને 6,018 થઇ ગઇ હતી.
શક્ય છે કે વાઝ લેસ્ટરના સીએલપી અધ્યક્ષની ફરીથી યોજાનારી ચૂંટણી લડશે અને કેટલાક લોકો માને છે કે તે ઉભા રહેશે તો તેઓ કદાચ ફરીથી જીતી જશે.
યુકેના બિઝનેસ, ઉદ્યોગ અને શિક્ષણ સંસ્થાઓએ બ્રેક્ઝિટ પછીની ઇમિગ્રેશન સિસ્ટમ માટેની પ્રાથમિકતાઓ નક્કી કરી
યુકેના સૌથી મોટા બિઝનેસ, ઉદ્યોગ અને શિક્ષણ સંસ્થાઓએ બ્રેક્ઝિટ પછીની ઇમિગ્રેશન સિસ્ટમ માટે તેમની પ્રાથમિકતાઓ નક્કી કરી છે. તેમણે પોઇન્ટ આધારિત સિસ્ટમ દ્વારા કુશળ કામદારો માટે યુકેમાં પ્રવેશવા અંગે ફ્લેક્સીબીલીટી અને રીફોર્મ્ડ સ્પોન્સરશિપ પ્રક્રિયા માટે હાકલ કરી છે. સામે પક્ષે હોમ ઑફિસે કહ્યું છે કે તે પોઇન્ટ્સ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ રજૂ કરશે અને તે અંગે બિઝનેસ – ઉદ્યોગ સંચાલકોની સલાહ લેશે. હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને એક ખુલ્લા પત્રમાં ઉદ્યોગોના સંચાલકોએ જણાવ્યું હતું કે “વ્યાજબી અને ટકાઉ ઇમિગ્રેશન” વેપાર ધંધાની વૃદ્ધિ માટે મહત્વનું છે.
યુકેની પાંચ સૌથી મોટી વ્યવસાયિક સંસ્થાઓ અને હોટેલિયર્સથી લઈને યુનિવર્સિટીઓ સુધીના લગભગ 30 વેપાર સંગઠનો, જે લાખો લોકોને રોજગારી આપે છે તેમણે ઇમિગ્રન્ટ્સ માટેના £30,000ના ન્યૂનતમ પગાર ધોરણમાં ફેરફાર થઈ શકે છે તેવા હોમ ઑફિસના સંકેતોનું પણ સ્વાગત કર્યું હતુ અને જણાવ્યું હતું કે આનાથી જાહેર થશે કે યુકે વેપાર માટે મુક્ત છે.
જુલાઈમાં વ્યવસાયી જૂથોએ સરકારને ચેતવણી આપી હતી કે યુકેની કુલ નોકરીઓમાંથી 60% કરતા વધુ જોબ્સ હાલમાં £30,000ના પગાર ધોરણ નીચેની છે. પત્રમાં કહેવામાં આવ્યું છે કે લોકોનો વિશ્વાસ ફરીથી સંપાદિત કરવા માટે ઇમિગ્રેશન સિસ્ટમમાં ફેરફાર કરવો આવશ્યક છે. એન્ટરપ્રાઇઝની મદદ પોઇન્ટ્સ આધારિત મોડેલ બનાવવું મદદરૂપ થઈ શકે છે જેનાથી ઇમિગ્રેશન પર વધુ નિયંત્રણ કરી શકાશે અને અર્થતંત્રને ટેકો આપવા માટે જરૂરી લેબર અને કુશળતા સુલભ કરી શકાશે.
આ પત્રમાં સહી કરનારા લોકોમાં સીબીઆઈ, બ્રિટીશ ચેમ્બર્સ ઑફ કોમર્સ, ઇન્સ્ટિટ્યૂટ ઑફ ડાયરેક્ટર્સ, ફેડરેશન ઑફ સ્મોલ બિઝનેઝ અને મેકયુકેનો સમાવેશ થાય છે.
હોમ ઑફિસના પ્રવક્તાએ જણાવ્યુ હતુ કે “અમે પોઇન્ટ્સ આધારિત ઇમિગ્રેશન સિસ્ટમ રજૂ કરીને, ઓછી કુશળતાવાળું ઇમિગ્રેશન રોકીશુ તથા ઇમિગ્રન્ટ્સની સંખ્યા નીચી લાવીને વિશ્વભરની તેજસ્વી અને શ્રેષ્ઠ પ્રતિભાઓ આકર્ષવા બિઝનેસીસની પ્રાધાન્યતા આપીશું. આ સજ્જડ અને ઉત્સાહી પ્રણાલીથી આપણે નક્કી કરી શકીશુ કે જે લોકો કુશળ હશે અને દેશને યોગદાન આપી શકશે તેઓ જ આ દેશમાં આવી શકશે, તેઓ ક્યાંથી આવ્યા છે તે મહત્ત્વનું નહીં રહે. અમે તમામ કદના વ્યવસાયો સાથે વાત કરવાનું ચાલુ રાખીશું કારણ કે સિસ્ટમ ડિઝાઇન અને રોલ આઉટ થઈ ગઈ છે.”