ભારત અને યુકે વચ્ચેની ઐતિહાસિક મુક્ત વેપાર કરારને અંતિમ સ્વરૂપ અપાયા પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુકેના વડાપ્રધાન કેર સ્ટાર્મર વચ્ચે ટેલિફોન પર વાતચીત થઈ હતી. આ વાતચીતમાં મોદીએ બ્રિટિશ વડાપ્રધાનને ભારત આવવું આમંત્રણ આપ્યું હતું, જેનો કેર સ્ટાર્મરે સ્વીકાર કર્યો હતો.
ટ્રેડ ડીલની જાહેરાત કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું હતું કે એક ઐતિહાસિક સીમાચિહ્નરૂપ તરીકે ભારત અને યુકેએ ડબલ કોન્ટ્રીબ્યુશન કન્વેન્શન સાથેની મહત્વાકાંક્ષી અને પરસ્પર ફાયદાકારક મુક્ત વેપાર કરારને સફળતાપૂર્વક પૂર્ણ કર્યો છે. આ સીમાચિહ્નરૂપ કરારો આપણી વ્યાપક વ્યૂહાત્મક ભાગીદારીને વધુ ગાઢ બનાવશે તથા આપણા બંને અર્થતંત્રોમાં વેપાર, રોકાણ, વૃદ્ધિ, રોજગાર સર્જન અને નવીનતાને પ્રોત્સાહિત કરશે. હું ટૂંક સમયમાં ભારતમાં પીએમ સ્ટાર્મરનું સ્વાગત કરવા આતુર છું.
સ્ટાર્મરની ઓફિસે જણાવ્યું હતું કે વડાપ્રધાન કેર સ્ટાર્મરે મોદીના આમંત્રણનો સ્વીકાર કર્યો હતો. ડાઉનિંગ સ્ટ્રીટના પ્રવક્તાએ જણાવ્યું હતું કે વડાપ્રધાન મોદીએ ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું, જેનો વડપ્રધાને ખુશીથી સ્વીકાર કર્યો છે અને કહ્યું હતું કે તેઓ શક્ય તેટલી વહેલી તકે ભારતની મુલાકાત લેવા આતુર છે.
