(ANI Photo)
આઈપીએલ 2025માં હાલમાં અણધાર્યો બ્રેક આવ્યો છે, પણ તે પહેલા ગયા સપ્તાહે મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાયેલી એક દિલધડક મેચમાં ગુજરાત ટાઈટન્સે મુંબઈ ઈન્ડિયન્સના હાથમાં આવેલો વિજયનો કોળિયો ઝૂંટવી લઈ પોતાનો 8મો વિજય હાંસલ કર્યો હતો, તો મુંબઈની એકધારી છ મેચની વિજય યાત્રા થંભાવી દીધી હતી. અગાઉ, ગુજરાતનો વિજયરથ આ જ રીતે રાજસ્થાન રોયલ્સે જયપુરમાં અટકાવ્યો હતો.
મુંબઈ સામેના જંગમાં ગુજરાતના સુકાની શુબમન ગિલે ટોસ જીતી મુંબઈને પહેલા બેટિંગમાં ઉતાર્યું હતું. ગુજરાતના બોલર્સ અને ફિલ્ડર્સે મુંબઈના વિસ્ફોટક બેટિંગ લાઈનઅપને 8 વિકેટે 155 રન સુધી મર્યાદિત રાખવામાં નોંધપાત્ર સફળતા મેળવી હતી. મેચ ઉપર જો કે, વરસાદના વિક્ષેપનું જોખમ સતત રહ્યું હતું અને વાસ્તવમાં તો વરસાદના કારણે બે વખત મેચ અટકાવવી પડી પણ હતી. મુંબઈ તરફથી વિલ જેક્સે 35 બોલમાં 53 તથા સૂર્યકુમાર યાદવે 24 બોલમાં 35 કર્યા હતા, તો ગુજરાતે અજમાવેલા તમામ છ બોલર્સને સફળતા મળી હતી, જેમાં સાઈ કિશોરને બે સિવાય બાકીના દરેક બોલરને એક-એક વિકેટ મળી હતી.
જવાબમાં ગુજરાત તરફથી સુકાની શુબમન ગિલે સૌથી વધુ, 46 બોલમાં 43 રન કર્યા હતા, તો જોસ બટલરે 27 બોલમાં 30 અને શરફેન રથરફોર્ડે 15 બોલમાં 28 રન કર્યા હતા. વરસાદના બીજી વખતના વિક્ષેપ પછી ડકવર્થ લુઈસના નિયમ પ્રમાણે મેચ 19 ઓવરની કરવામાં આવી હતી અને ગુજરાત સામે 146 રનનો ટાર્ગેટ આવ્યો હતો, જે તેણે છેલ્લા બોલે એક રન લઈ હાંસલ કર્યો હતો અને મુંબઈને ફિલ્ડિંગમાં ભૂલ ભારે પડી હતી. છેલ્લી ઓવરમાં ગુજરાતે 15 રન કરવાના હતા. મુંબઈએ તે અગાઉ વરસાદના પહેલા વિક્ષેપ પછી અચાનક ગુજરાતની ગાડી પાટા ઉપરથી ઉતારી દઈ 25 રનમાં ચાર વિકેટ ખેરવી હતી અને બીજા વિક્ષેપ વખતે મુંબઈ માટે બાજી લગભગ હાથમાં જ હતી.

LEAVE A REPLY