ગુજરાતની બે દિવસની રાજકીય મુલાકાતના બીજા દિવસે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને અમદાવાદના શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. (ANI Photo/ AAP Gujarat. Mission2022 Twitter)

ગુજરાતની બે દિવસની રાજકીય મુલાકાતના બીજા દિવસે દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યપ્રધાન ભગવંત માને અમદાવાદના શાહીબાગ BAPS સ્વામિનારાયણ મંદિરની મુલાકાત લીધી હતી. મંદિરમાં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કર્યા હતા અને મંદિર પરિસર નિહાળ્યું હતું. સ્વામિનારાયણ મંદિરમાં 30 મિનિટ સુધી બંને નેતાઓ હાજર રહ્યા હતા. સ્વામિનારાયણ ભગવાનને અભિષેક પણ તેઓએ કર્યો હતો.સ્વામિનારાયણ મંદિરમાં દર્શન કરી તેમણે મંદિરના સ્વામી સાથે મુલાકાત કરી હતી.

ગઈ કાલે બંને નેતાઓએ રોડ શો પહેલાં ખોડિયાર માતાજીના મંદિરમાં દર્શન કર્યા હતાં. આ પ્રસંગે ભગવંત માને કહ્યું કે, ખોડિયાર માતાના આશીર્વાદ લીધા છે. તેમણે કહ્યું હતું કે, અમે લડાઈ લડીએ છીએ તેમાં મા શકિત આપે. તમે મોટી સંખ્યામાં આવ્યા છો. તમારી દેશભક્તિમાં કોઈ કમી નથી. ભીડ અને તિરંગો અરવિંદ કેજરીવાલ માટે નવી વાત નથી. દિલ્લી, પંજાબ તો થઈ ગયું. હવે અમારું ગુજરાત’ કહેતા જ લોકોએ બૂમાબૂમ કર્યું હતું.રોડ શો નિકોલ ઉત્તમનગર ખોડિયાર મંદિરથી બાપુનગર બ્રિજ ડાયમંડ ચાર રસ્તા સુધી યોજાયો હતો. બંને નેતાની તિરંગાયાત્રામાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ભાગ લેવા પહોંચ્યા હતા. નિકોલથી ઠક્કરબાપાનગર બ્રિજ સુધીનો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો હતો.