અમેરિકામાં ભારતીય રાજદૂત તરનજીત સિંહ સંધુએ રવિવારે ન્યૂયોર્કમાં શ્રી ગુરુ રવિદાસ મંદિરમાં પ્રાર્થના કરી હતી. (ANI Photo)

ખાલિસ્તાની દેખાવકારોના એક જૂથે રવિવારે ન્યૂયોર્કના ગુરુદ્વારામાં ભારતીય રાજદૂત તરનજિત સિંહ સંધુ સાથે ધક્કામુક્કીનો પ્રયાસ કરીને અયોગ્ય વર્તન કર્યું હતું. ગુરુપૂરબના અવસરે લોંગ આઇલેન્ડમાં હિક્સવિલે ગુરુદ્વારાની મુલાકાત દરમિયાન દેખાવકારોએ તેમને ઘેરી લીધા હતાં અને સૂત્રોચ્ચાર કર્યો હતો.

સંધુ અને ખાલિસ્તાની દેખાવકારો વચ્ચેનો એક વીડિયો વાયરલ થયો હતો. વીડિયોની શરૂઆત રાજદૂત કહે છે કે તેઓ સેવા માટે ગુરુદ્વારાની મુલાકાત લઈ રહ્યા છે. આ દરમિયાન પંજાબી ભાષામાં એક દેખાવકાર બૂમો પાડીને કહે છે કે “હરદીપ સિંહ નિજ્જરની હત્યા માટે તમે જવાબદાર છો. તમે પન્નુનને મારવાનું કાવતરું ઘડ્યું હતું.”

બીજા કેટલાક લોકો આ વીડિયોમાં તણાવ ઘટાડવા અને લોકોને શાંત કરવાનો પ્રયાસ કરતા જોવા મળે છે. લોકો સંધુની પાછળ દોડીને પૂછે છે કે તમે જવાબ કેમ નથી આપતા. રાજદૂત સંધુએ એક્સ પર તેમની ગુરુદ્વારાની મુલાકાત વિશે પોસ્ટ કર્યું હતું, પરંતુ આ ઘટનાાનો ઉલ્લેખ કર્યો ન હતો.

ખાલિસ્તાન તરફી તત્ત્વોને અમેરિકા અને કેનેડામાં અપાયેલી શરણના કારણે તાજેતરના મહિનાઓમાં ભારત સાથે ટકરાવ વધ્યો છે. કેનેડાના વડાપ્રધાને તાજેતરમાં સંસદની અંદર આરોપ મૂક્યો હતો કે નિજ્જરની હત્યા પાછળ ભારતીય એજન્સીઓ સામેલ હોવાની શક્યતા છે. ભારતે આ આરોપો નકારી કાઢ્યા છે. તાજેતરમાં અમેરિકાએ પણ પન્નુનની હત્યા કરવાના ષડયંત્રનો પર્દાફાશ કર્યો હતો અને ત્યાર પછી ભારતને કથિત ષડયંત્ર વિશે ચેતવણી આપવામાં આવી હતી. જોકે, ભારતે હંમેશા આવી કોઈ ઘટના સાથે પોતાના સંબંધ હોવાનો ઈનકાર કર્યો છે.

 

LEAVE A REPLY

14 − three =