યુકેમાં બાયોમેડિકલની વિદ્યાર્થિની ખુશી પટેલે મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022નો તાજ પોતાના નામે કર્યો છે. વોશિંગ્ટનમાં 24 જૂને રાત્રે યોજાયેલ સૌંદર્ય સ્પર્ધામાં તેણે આ સિદ્ધિ મેળવી હતી. ઉલ્લેખનીય છે કે, મિસ ઈન્ડિયા વર્લ્ડવાઈડ વિદેશમાં સૌથી લાંબા સમયથી ચાલતી ભારતીય સ્પર્ધા છે. ખાસ વાત એ છે કે, ખુશી પટેલ ગુજરાતની વતની છે. જ્યારે આ સ્પર્ધામાં
અમેરિકાની વૈદેહી ડોંગરેને પ્રથમ અને શ્રુતિકા માનેને દ્વિતીય રનરઅપ જાહેર કરવામાં આવી હતી. આ સૌંદર્ય સ્પર્ધામાં ટોચની 12 સ્પર્ધકો વિશ્વ સ્તરે વિભિન્ન અન્ય હરિફાઇઓમાં વિજેતા રહી ચુકી છે.
ખુશી પટેલ કપડાના બિઝનેસ સાથે સંકળાયેલી પણ છે. તે આવનારા એક વર્ષમાં સમાજસેવાના અનેક કાર્યક્રમો કરવા ઈચ્છે છે. આ ઉપરાંત તે ત્રીજા વિશ્વના દેશોની મદદ કરવા માટે પણ યોજના બનાવી રહી છે.
ઈન્ડિયા ફેસ્ટિવલ કમિટી (આઈએફસી)ના જણાવ્યા મુજબ ગુઆનાની રોશની રજાકને ‘મિસ ટીન ઈન્ડિયા વર્લ્ડવાઈડ 2022’ જાહેર કરવામાં આવી છે. કમિટીના જણાવ્યા પ્રમાણે અમેરિકાની નવ્યા પેંગોલ પ્રથમ રનરઅપ અને સૂરીનામની ચિક્વિતા મલાહા દ્વિતીય રનરઅપ રહી. આઈએફસી છેલ્લા 29 વર્ષથી આ સ્પર્ધા યોજી રહ્યું છે.
આ વખતે ત્રણ વર્ષના વિક્ષેપ પછી આ સૌંદર્ય સ્પર્ધા યોજાઇ હતી. છેલ્લે સપ્ટેમ્બર 2019માં મુંબઈની લીલા હોટેલમાં આ તેનું આયોજન થયું હતું. આઈએફસીના ચેરમેન ધર્માત્મા સરને જણાવ્યું કે, મહામારીએ આપણી વિચારવાની તથા જીવવાની રીત બદલી નાખી છે.