બ્રિટનના કિંગ ચાર્લ્સ 29 જાન્યુઆરી, 2024 ના રોજ લંડન, બ્રિટનમાં, એનલાર્જ પ્રોસ્ટેટની સારવાર લીધા પછી લંડન ક્લિનિક છોડે છે. REUTERS/Toby Melville

કિંગ ચાર્લ્સને કેન્સરનું નિદાન થયું હતું અને તેઓ તેની સારવાર કરાવવા માટે જાહેર કાર્યક્રમોને મુલતવી રાખશે તેવું બકિંગહામ પેલેસે સોમવારે જણાવ્યું હતું. પેલેસના જણાવ્યા મુજબ, છેલ્લા 18 મહિનાથી શાસન સંભાળી રહેલા કિંગ ચાર્લ્સ બીમારીથી ડર્યા વગર “સંપૂર્ણ સકારાત્મક” અભિગમ દાખવી રહ્યા છે.

75 વર્ષીય ચાર્લ્સ સપ્ટેમ્બર 2022માં તેમનાં માતા ક્વીન એલિઝાબેથના મૃત્યુ પછી કિંગ બન્યા હતા. પેલેસે જણાવ્યું હતું કે, હવે તેમણે લાંબી સારવારની શરૂ કરી છે અને તેઓ શક્ય હોય તેટલા વહેલાસર સ્વસ્થ થઇને તેમની જવાબદારીઓ નિભાવવા માટે આતુર છે. ચાર્લ્સ ગત મહિને પ્રોસ્ટેટની સારવાર માટે હોસ્પિટલમાં ત્રણ રાત રહ્યા હતા અને ત્યાં તેમને કેન્સર હોવાનું જણાયું હતું.

પેલેસે જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સના હોસ્પિટલમાં રોકાણ દરમિયાન એક ચિંતાજનક બાબત જાણવા મળી હતી. વિવિધ ટેસ્ટ્સ કરવામાં આવ્યા પછી તેમને એક પ્રકારનું કેન્સર હોવાનું જણાયું હતું, જોકે, તે સિવાય વધુ વિગતો આપી ન હતી. પેલેસે જણાવ્યું હતું કે, “કિંગને પ્રોસ્ટેટ કેન્સર નથી તેની પુષ્ટિ કરવા સિવાય આ તબક્કે વધુ કોઈ વિગતો જણાવવામાં આવી નથી. આ સમગ્ર સમયગાળા દરમિયાન, તેઓ તેમની નિયમિત કામગીરી અને અધિકૃત પેપરવર્કની કામગીરી જાળવી રાખશે.”

એટલે કે, કિંગ ચાર્લ્સ વડાપ્રધાન ઋષિ સુનક સાથે નિયમિત મુલાકાત કરતા રહેશે, અને તેમનાં પત્ની ક્વીન કેમિલા પણ પોતાની કામગીરી યથાવત રાખશે.

રવિવારે ચર્ચ સર્વિસ દરમિયાન કિંગ કેમિલા સાથે આવ્યા હતા ત્યારે તેમણે આ નિદાન અંગે કોઈ સંકેત આપ્યો ન હતો અને ત્યાં ઉપસ્થિત લોકોનું હસતા ચહેરે હાથ હલાવીને અભિવાદન ઝીલ્યું હતું. એક અઠવાડિયા અગાઉ તેઓ અને તેમના પુત્રવધૂ કેટ લંડનની હોસ્પટિલમાં એક સારવાર માટે ગયા હતા ત્યાર પછી તેઓ પ્રથમવાર જાહેરમાં જોવા મળ્યા હતા.રાજવી પરિવારના વારસદાર પ્રિન્સ વિલિયમનાં પત્ની અને પ્રિન્સેસ ઓફ વેલ્સ કેટની લંડનની ક્લિનિકમાં પેટની સર્જરી કરવામાં આવી હતી અને તેઓ ત્યાં અઠવાડિયા સુધી રહ્યા હતા. તેમણે કઇ સર્જરી કરાવી તે બહાર આવ્યું નથી પરંતુ તે કેન્સર સંબંધિત નહોતી.કેટ ઇસ્ટર પછી તેમની રાજવી કામગીરીમાં ફરીથી જોડાશે નહીં અને તેઓ સંપૂર્ણ સ્વસ્થ ન થયા ત્યાં સુધી વિલિયમે તેમના ત્રણેય બાળકોની સંભાળ રાખી હતી. સામાન્ય રીતે રાજવી પરિવારના સભ્યો તેમની આરોગ્યલક્ષી બાબતોને અંગત માને છે, જ્યારે કિંગ ચાર્લ્સે તેમની આ બીમારીને ખાનગી નહીં રાખીને તેને જાહેર કરી હતી.

બકિંગહામ પેલેસે જણાવ્યું હતું કે, “કિંગે તેમની બીમારી અંગેની અટકળોને રોકવા માટે તેને જાહેર કરવાનું પસંદ કર્યું હતું અને આશા છે કે, વિશ્વભરમાં જે લોકો કેન્સર પીડિત છે તેને સમજવામાં મદદ કરશે.”

વડાપ્રધાન સુનકે આ સમાચાર જાણીને કિંગને સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર શુભેચ્છાઓ મોકલી હતી. તેમણે જણાવ્યું હતું કે, “મને એ બાબતે કોઈ શંકા નથી કે તેઓ ટૂંક સમયમાં સંપૂર્ણ તાકાત સાથે ફરીથી સ્વસ્થ રીતે કામગીરી કરશે અને હું જાણું છું કે આખો દેશ તેમને શુભેચ્છા પાઠવશે.”ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ કિંગ ચાર્લ્સને કેન્સરનું નિદાન થયું હોવાનું જાણીને ઝડપથી સ્વસ્થ થવાની શુભકામનાઓ પાઠવી હતી. તેમણે સોશિયલ મીડિયા એક્સ (ટ્વિટર) પર જણાવ્યું હતું કે, “હું ભારતના લોકો સાથે મહામહિમ કિંગ ચાર્લ્સ તૃતીયને ઝડપી સ્વસ્થ થવા અને તેમના તંદુરસ્ત આરોગ્ય માટે શુભકામના પાઠવું છું.”કિંગ ચાર્લ્સ જે દેશના વડા છે તે ઓસ્ટ્રેલિયા અને કેનેડાના નેતાઓએ પણ તેમને ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છાઓ અને આશા વ્યક્ત કરી હતી, જ્યારે અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને જણાવ્યું હતું કે, “હું આ સમાચારથી ચિંતિત છે અને પછી ચાર્લ્સને ફોન પણ કરીશ. કેન્સરનું નિદાન, તેની સારવાર અને જીવન જીવવા માટે આશા અને હિંમતની જરૂર છે. હું અને જીલ (બાઇડેનનાં પત્ની) યુકેના લોકો સાથે પ્રાર્થનામાં જોડાઈએ છીએ કે કિંગ ચાર્લ્સ ઝડપથી અને સંપૂર્ણ સ્વસ્થતા કેળવે.”કિંગ ચાર્લ્સે તેમના નજીકના પરિવારજનોને તેમના કેન્સરના નિદાન અંગે વ્યક્તિગત રીતે જણાવ્યું હતું, અને તેમના નાના પુત્ર પ્રિન્સ હેરી, ટૂંક સમયમાં તેમની ખબર પૂછવા માટે યુકે આવશે, તેવું ડ્યુક ઓફ સસેક્સની નજીકના સૂત્રોએ જણાવ્યું હતું. 2020માં પ્રિન્સ હેરી અને તેમનાં અમેરિકન પત્ની મેઘન રાજવી ફરજોમાંથી મુક્ત થયા હતા અને તેઓ અત્યારે તેમના બે બાળકો સાથે કેલિફોર્નિયામાં વસે છે.

કિંગ બનવા માટે ચાર્લ્સે બ્રિટિશ ઈતિહાસમાં કોઈપણ વારસદાર કરતાં સૌથી વધુ રાહ જોઇ હતી. તેમના શાસનના પ્રથમ વર્ષમાં રાજ્યાભિષેકનું પ્રભુત્વ જોવા મળ્યું હતું, જે અનેક પેઢીઓ માટે બ્રિટનનો સૌથી મોટો ધામધૂમથી ભરચક ઔપચારિક અવસર હતો.

તેઓ કિંગ બન્યા તે અગાઉ એવી ચર્ચા હતી કે, લાંબા સમયથી પર્યાવરણીય કેમ્પેઇનર રહેલા ચાર્લ્સ રાજવી પરંપરાઓમાં આમૂલ પરિવર્તન લાવશે, પરંતુ તેઓ સામાન્ય રીતે તેમની માતાની કાર્યશૈલીને અપનાવે છે, તેઓ તેમના પોતાના કેટલાક વિચારો મુજબ કામ કરવાનો પ્રયાસ કરે છે.

વિવિધ સર્વે અનુસાર બ્રિટનમાં મોટાભાગના લોકો અત્યાર સુધીના તેમના શાસનની તરફેણમાં છે, જોકે યુવા પેઢીઓ સામાન્ય રીતે રાજવી પરિવાર પ્રત્યે ઘણો ઓછો ઉત્સાહ દાખવે છે.

કિંગની તાજેતરની બીમારી અગાઉ, રાજવી પરિવાર પર સૌથી મોટો ઓછાયો તેમના પુત્ર હેરી અને તેના બાકીના પરિવારજનો અને ખાસ તો તેના મોટાભાઈ પ્રિન્સ વિલિયમ વચ્ચેના મતભેદનો હતો.

મેજેસ્ટી મેગેઝીનનાં એડિટર-ઇન-ચીફ ઇન્ગ્રિડ સ્યુવર્ડે જણાવ્યું હતું કે, “કિંગ ચાર્લ્સ કામ બાબતે સક્રિય હોવાથી તેઓ ઘણીવાર મોડરાત્રિ સુધી કામ કરતા હતા, તેમની અત્યારની બીમારીનો અર્થ એ થાય કે તેમણે હવે ધીમેથી કામ કરવું પડશે. તેમનું શરીર હવે તેમને કહેશે તેમ તેમણે કરવું પડશે, અને કેમિલા ચોક્કસ કરશે. હું માનું છું કે, તેઓ ક્વીનનું નિધન થયું ત્યારથી માનસિક રીતે થાકી ગયા હતા. અને તેઓ ત્યારથી સતત કાર્યરત છે.”અત્રે ઉલ્લેખનીય છે કે, ડેનમાર્કની રાણી માર્ગ્રેથે દ્વિતીય એ 52 વર્ષ પછી તેમના પુત્ર કિંગ ફ્રેડરિક દસમા માટે ગત મહિને તેમના સિંહાસનનો ત્યાગ કર્યો હતો. આ અંગે  સ્યુવર્ડે જણાવ્યું હતું કે, કિંગ ચાર્લ્સ તે પગલાને અનુસરે તેવી કોઈ સંભાવના 100 ટકા નથી જ.અગાઉના આયોજન મુજબ કિંગ અને ક્વીન મે મહિનામાં કેનેડા જવાના છે, આ ઉપરાંત ઓક્ટોબરમાં ઓસ્ટ્રેલિયા, ન્યુઝીલેન્ડ અને સામોઆમાં કોમનવેલ્થ દેશોના વડાઓની મીટિંગમાં ભાગ લેવા માટે જવાના હતા. જોકે, અત્યારની સ્થિતિ મુજબ તેઓ પ્રવાસ કરશે કે નહીં તેની પુષ્ટી થઇ નથી. આ ઉપરાંત કિંગ તેમની જાહેર રોજિંદી કામગીરી ફરી ક્યારે શરૂ કરશે તે પણ તારીખ હજુ સુધી જણાવવામાં આવી નથી.

LEAVE A REPLY

19 − 17 =