પ્રતિક તસવીર

બિનઅનુભવી સ્ટાફ વેન્ટિલેટરનો યોગ્ય રીતે ઉપયોગ કરવામાં નિષ્ફળ ગયા બાદ લંડનમાં બસ ડ્રાઈવર તરીકે સેવા આપતા લંડનના સડબરીના 58 વર્ષના કિશોરકુમાર પટેલ ગયા વર્ષે 26 એપ્રિલના રોજ કોવિડના કારણે મૃત્યુ પામ્યા હતા. તેઓ લંડનની એનએચએસ નાઈટીંગેલ હોસ્પિટલમાં મૃત્યુ પામેલા ત્રણ કોવિડ દર્દીઓમાંના એક હતા.

ઇસ્ટ લંડનના એક્સેલ સેન્ટર, ન્યૂહામ હોસ્પિટલમાં કુલ દસ દર્દીઓ અસરગ્રસ્ત થયા હતા. સ્ટાફ દ્વારા હીટ અને મોઇશ્ચર એક્સચેન્જ ફિલ્ટરનો ઉપયોગ તેમના વેન્ટિલેટીંગ મશીનોમાં કરાયો ન હતો. HME ફિલ્ટર્સ દર્દીની શ્વાસ પ્રણાલીના છેડે મૂકવામાં આવે છે. જે મશીનના વાયુમાર્ગને ભેજયુક્ત બનાવે છે અને મ્યુકસના નિર્માણને રોકવા માટે મૂકવામાં આવે છે. પરંતુ સ્ટાફે ભૂલથી વેન્ટિલેશન સર્કિટમાં ખોટા ફિલ્ટરનો ઉપયોગ કરતા ત્રણેય દર્દીઓની શ્વાસની નળીઓ બ્લોક થઈ ગઈ હતી. જે ત્રણેય દર્દીઓના મોત થયા હતા. ફિલ્ટર આ ઘટનાઓ મૃત્યુમાં ફાળો આપે છે કે કેમ તે નક્કી કરવામાં આવ્યું નથી, પરંતુ તમામ દસ કેસોમાં સ્ટાફની સમાન ભૂલ બહાર આવી છે.

કિશોરકુમાર પટેલ શ્વાસની તકલીફ, ઉધરસ અને થાક અનુભવ્યા બાદ શરૂઆતમાં 4 એપ્રિલ, 2020ના રોજ નોર્થવિક પાર્ક હોસ્પિટલમાં દાખલ થયા હતા. છ સંતાનોના પિતા કિશોરકુમારે 55 વર્ષની ઉંમરે કૂંગ ફુમાં ફર્સ્ટ-ડિગ્રી બ્લેક બેલ્ટ હાંસલ કર્યો હતો અને 7 એપ્રિલે કોરોનાવાયરસની સારવાર માટે એક્સેલ સેન્ટરમાં ખસેડાયા હતા. કોઇ અંતર્ગત આરોગ્યની સ્થિતિ ન હોવા છતાં હોસ્પિટલમાં 19 દિવસની સારવાર મેળવનાર પટેલ 26 એપ્રિલના રોજ મૃત્યુ પામ્યા હતા.

તેમના મૃત્યુના સાત દિવસ પહેલા, શ્રી પટેલના પરિવારને કહેવામાં આવ્યું હતું કે હોસ્પિટલના એક એન્જિનિયરે શોધી કાઢ્યું હતું કે તેમના વિન્ડપાઇપમાંની ઇટી ટ્યુબ, જે દર્દીને ઓક્સિજન પૂરું પાડે છે, તે વેન્ટિલેટરમાં ‘ખોટા ફિલ્ટર’ના ઉપયોગના કારણે અવરોધિત થઇ હતી. ઇજનેરે ઘટના માટે માફી માંગી હતી. શ્રી પટેલના પુત્ર અનીશને બાર્ટ્સ હેલ્થ ટ્રસ્ટ તરફથી માફી માંગતો પત્ર પણ મોકલવામાં આવ્યો હતો. બાર્ટ્સ હેલ્થના પ્રવક્તાએ કહ્યું હતું કે ‘’અમે શ્રી પટેલના પરિવારને અમારી ઉંડી સહાનુભૂતિ પાઠવીએ છીએ. અમે સંજોગોની સંપૂર્ણ તપાસ કરી છે અને તે મુજબ અમારી પ્રેક્ટિસ બદલી છે.  અને માનતા નથી કે ફિલ્ટર સાથેની ઘટના શ્રી પટેલના મૃત્યુનું સીધું કારણ હતું. કોરોનર દ્વારા પૂછપરછમાં આ અંગે વધુ વિચારણા કરવામાં આવશે.’’

પોતાના ભાઈના મૃત્યુના એક વર્ષ કરતાં વધુ સમય પછી, હવે શ્રીમતી ઉર્ષા લી માને છે કે કામચલાઉ ખોલાયેલી પ્રથમ નાઈટીંગેલ હોસ્પિટલ રોગચાળાની માંગને પહોંચી વળવા માટે સજ્જ નહોતી. તે એક ડ્રાઇવર વગરની ઝડપી ટ્રેન જેવી હતી. તે પૂરતા સાધનોથી સજ્જ નહોતી અને સ્ટાફ પાસે કુશળતાનો અભાવ હતો.

ભાઈના મૃત્યુ બાદ, શ્રીમતી લી નોર્થવિક પાર્ક સાથે સંપર્કમાં છે અને તેમનો ફોન શોધવાનો પ્રયત્ન કરી રહી છે. પરંતુ નોર્થવિક પાર્ક હોસ્પિટલને હવે તે ફોન પણ મળતો નથી જેમાં પટેલ

પરિવારના ફોટોગ્રાફ્સ અને યાદો સચવાયેલી હતી. શ્રી પટેલનો પરિવાર હવે તેમના મૃત્યુની કોરોનરની તપાસની તૈયારી કરી રહ્યો છે જે 4 ઓક્ટોબરે થવાની છે.

પટેલ N18 બસમાં નાઇટશિફ્ટ કરતા હતા અને તેમણે પોતાનું જીવન એક સરળ અને સૌમ્ય માણસ તરીકે જીવ્યું હતું.