હરિદ્વાર મહાકુંભમાં 14 એપ્રિલે ત્રીજુ અને સૌથી મોટું શાહી સ્નાન થયું હતું. બુધવારે મેષ સંક્રાંતિ નિમિત્તે ગંગામાં ડૂબકી લગાવવા માટે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ હરિદ્વારમાં ઉમટી પડ્યા હતા. સામાન્ય લોકોના સ્નાન બાદ તમામ અખાડાના સંતો શાહી સ્નાન માટે આવ્યા હતા. એક તરફ દેશ કોરોનાની પ્રચંડ લહેરનો સામનો કરી રહ્યો છે ત્યારે હરિદ્વારના હર કી પૌડી ખાતે આસ્થાનો મેળાવડો જામ્યો હતો.

હરિદ્વારમાં પણ કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. હરિદ્વારમાં મંગળવારે કોરોનાના નવા 594 કેસ નોંધાયા હતા. કોરોના ગાઈડલાઈન્સનું પાલન કરવાના નિર્દેશ વચ્ચે સામે આવી રહેલી તસવીરો જોઈને કોરોના પ્રોટોકોલ્સની અવગણના થઈ રહી હોવાનું જણાતું હતું.

કુંભ મેળાના આઈજી સંજય ગુંજ્યાલે જણાવ્યું હતું કે, ચારેય શાહી સ્નાન અને કુંભના 11 સ્નાનમાં વૈશાખીનું સ્નાન સૌથી મહત્વનું છે. એક અહેવાલ પ્રમાણે 2010માં વૈશાખીના સ્નાનમાં 1.60 કરોડ લોકો ઉમટ્યા હતા. પરંતુ આ વખતે આશરે 6 લાખ જેટલા લોકોએ સ્નાન કર્યું હતું.

હરિદ્વારમાં કુંભમેળા દરમિયાન શાહી સ્નાન માટે મોટી સંખ્યામાં નાગા સાધુ ઉમટી પડ્યાં હતા. (REUTERS/Anushree Fadnavis)