મહંમદ પયગંબર સાહેબ અંગેની ભાજપના બે નેતાઓની વિવાદાસ્પદ ટીપ્પણીના વિરુદ્ધમાં મુસ્લિમોએ શુક્રવારની નમાઝ પછી અમદાવાદમાં દેખાવો કર્યા હતા. REUTERS/Amit Dave

કુવૈત સરકારે જણાવ્યું છે કે, મોહમ્મદ પયગમ્બર વિશે ભારતમાં ભાજપનાં પ્રવક્તાએ કરેલી ટીપ્પણીના વિરોધમાં ભાગ લેનારા વિદેશીઓને દેશમાંથી હાંકી કાઢવામાં આવશે. સમાચાર એજન્સી ANIએ સ્થાનિક મીડિયાને ટાંકીને આ માહિતી આપી છે. મીડિયા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, કુવૈતમાં વિદેશી લોકોએ દેખાવોમાં ભાગ લઈ દેશના કાયદા અને નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાથી આ નિર્ણય લેવાયો છે.

અરબ ટાઈમ્સે આપેલા અહેવાલ મુજબ કુવૈતના સત્તાવાળાઓ ‘બીજા દેશોના લોકોની ધરપકડ કરી તેમને તેમના દેશોમાં મોકલી આપવા ડીપોર્ટેશન સેન્ટરમાં મોકલવાની કાર્યવાહી કરી રહ્યા છે’. આવા લોકો સામે કુવૈતમાં ફરીથી પ્રવેશવા પર પ્રતિબંધ મુકાશે.

કુવૈતમાં રહેતા તમામ વિદેશીઓએ કુવૈતના કાયદાનું સન્માન કરવું જોઈએ અને કોઈપણ પ્રકારના દેખાવોમાં ભાગ લેવો જોઈએ નહીં.’ જોકે, મીડિયા રીપોર્ટમાં વિરોધ કરી રહેલા વિદેશીઓની રાષ્ટ્રીયતાનો ઉલ્લેખ કરાયો નથી.
ભારતમાં સસ્પેન્ડે કરાયેલા ભાજપના નેતા નૂપુર શર્માએ તાજેતરમાં મોહમ્મદ પયગમ્બર પર કરેલી ટીપ્પણીથી અખાતના દેશોમાં ભારે વિરોધ થયો હતો. વિવિધ દેશોએ ભાજપના નેતાના નિવેદન સામે વાંધો ઉઠાવી ભારતીય રાજદૂતોને બોલાવ્યા હતા અને સમગ્ર મામલે કાર્યવાહી કરવાની માંગણી કરી હતી. જોકે, ભારતે ‘ફ્રિન્જ એલિમેન્ટ્સ’ (છેવાડાના તત્ત્વો) દ્વારા કરાયેલી ટીપ્પણીને ફગાવતા જણાવ્યું હતું કે, તેમણે લઘુમતીઓ વિરુદ્ધ ટ્વિટર પર વિવાદાસ્પદ ટિપ્પણી કરનારાઓ સામે કડક કાર્યવાહી કરી છે.

કુવૈતના વિદેશ મંત્રાલયે ભારતમાં વાંધાજનક ટ્વીટ્સ પર અપાયેલા નિવેદન અંગે મીડિયાના પ્રશ્નના જવાબમાં, કુવૈતમાં ઇન્ડિયન એમ્બેસીના પ્રવક્તાએ કહ્યું હતું કે, ‘એમ્બેસેડર સિબી જ્યોર્જે ફોરેન ઓફિસમાં એક મીટિંગ કરી હતી, જેમાં ભારતના લોકો દ્વારા થયેલી કેટલીક વાંધાજનક ટ્વીટ્સ અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી હતી.’
અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ તેનાં પ્રવક્તા નૂપુર શર્માને પાર્ટીના પ્રાથમિક સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે અને તેના દિલ્હી ભાજપ મીડિયાના વડા નવીન કુમાર જિંદલને ઉશ્કેરણીજનક ટીપ્પણી કરવા બદલ પક્ષમાંથી હાંકી કાઢવામાં આવ્યા છે.