ભારતના સ્ટાર ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ શુક્રવારે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)માં સામેલ થયા હતા.. (PTI Photo)

ભારતના સ્ટાર ટેનિસ પ્લેયર લિએન્ડર પેસ શુક્રવારે મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસ પાર્ટી (ટીએમસી)માં સામેલ થયા હતા. ગોવા ખાતે મમતા બેનરજીની ઉપસ્થિતિમાં લિએન્ડર પેસે ટીએમસીનો હાથ પકડ્યો હતો. આ કાર્યક્રમ દરમિયાન મમતાએ કહ્યું હતું કે, ટેનિસ સ્ટાર લિએન્ડર પેસ તેમના નાના ભાઈ જેવા છે. એકટ્રેસ નફીસા અલી અને મૃણાલીની દેશપ્રભુ પણ ગોવામાં આ કાર્યક્રમમાં ટીએમસીમાં સામેલ થઈ હતી.

પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનરજીએ કહ્યું હતું કે, ‘એ જણાવતા ખૂબ જ આનંદ થઈ રહ્યો છે કે, લિએન્ડર પેસ ટીએમસીમાં સામેલ થઈ ગયા છે. હું ખૂબ જ ખુશ છું. તે મારા નાના ભાઈ સમાન છે. હું એમને ત્યારથી ઓળખું છું જ્યારે હું યુવા પ્રધાન હતી અને તેઓ ખૂબ નાના હતા.’

2022ની વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ટીએમસી ગોવામાં પોતાની પકડ મજબૂત કરવા પ્રયત્ન કરી રહી છે. મમતા બેનર્જી ગુરૂવારે સાંજે ગોવા પહોંચ્યા હતા. ત્યાર બાદ ટીએમસીએ ભાજપના ગઢમાં ગાબડુ પાડવાની આશા સાથે ચૂંટણી રાજ્યમાં પ્રચાર કર્યો હતો.