
ભારતની બહાર વ્યાપકપણે સૌથી મોટા મનાતા અને છેલ્લા કેટલાય વર્ષોથી લેસ્ટરમાં યોજાતા વિખ્યાત દિવાળી પર્વની ઉજવણીમાં ઉમટી પડતા લોકોની સલામતીને લક્ષમાં લઇને મોટા ફેરફારોના ભાગ રૂપે આ વર્ષે દિવાળી પ્રસંગે થતા આતશબાજી કે સ્ટેજ મનોરંજનના કાર્યક્રમો થશે નહીં. કોસિંગ્ટન સ્ટ્રીટ રિક્રિએશન ગ્રાઉન્ડનો પણ ઉજવણી માટે આ વર્ષે ઉપયોગ કરવામાં આવશે નહીં. પરંતુ ગોલ્ડન માઇલ હજુ પણ દિવાળીની દિવસની ઉજવણીનું કેન્દ્રબિંદુ રહેશે.
બેલગ્રેવ સ્થિત બિઝનેસીસ સાથે વાર્તાલાપ બાદ કાઉન્સિલ દ્વારા આ ઉજવણીને એબી પાર્ક અથવા લેસ્ટર સીટી સેન્ટરમાં ખસેડવાનો અને તેને બેલગ્રેવ સર્કલ સુધી લંબાવવાનો અથવા તેને મેલ્ટન રોડ પર ખસેડવાનો વિચાર થઇ રહ્યો છે.
40 વર્ષ કરતા વધુ સમયથી ઉત્સવોનું કેન્દ્ર રહેલા બેલગ્રેવ રોડ પર દિવાળીના દિવસે ઉજવણી કરવામાં આવશે અને સાંજે તમામ ટ્રાફિક માટે રોડ બંધ રહેશે. ગોલ્ડન માઇલ પર 6,000થી વધુ લાઇટ્સ ઇન્સ્ટોલ કરવામાં આવશે અને આ વર્ષે વ્હીલ ઓફ લાઇટ પણ પાછું આવશે.
કાઉન્સિલે જણાવ્યું હતું કે, ગત તા. 2ના રોજ શહેરના મેયર સર પીટર સોલ્સબી, કાઉન્સિલર વી ડેમ્પસ્ટર, લેસ્ટર હિન્દુ ફેસ્ટિવલ કાઉન્સિલના પ્રતિનિધિઓ, સ્થાનિક વોર્ડ કાઉન્સિલરો, જૈન અને શીખ સમુદાયોના સભ્યો, કાઉન્સિલ અધિકારીઓ, સલામતી સલાહકાર જૂથના સભ્યો અને બેલગ્રેવ બિઝનેસ એસોસિએશન સાથે મળેલી બેઠકમાં આ ફેરફારો પર સંમતિ સધાઈ હતી.
કોસિંગ્ટન સ્ટ્રીટ રિક્રિએશન ગ્રાઉન્ડ ખાતે ગ્રીન સ્પેસમાં મુખ્ય સ્ટેજ રખાતું હતું અને વાર્ષિક ફાયર ગાર્ડન ડિસ્પ્લેનું સ્થળ, ફૂડ સ્ટોલ, ફનફેર રાઇડ્સ, ફેશન અને કલા સાથે દિવાળી વિલેજ રખાતું હતું. જે હવે બંધ રહેશે. ગયા વર્ષે લેસ્ટરમાં દિવાળીની ઉજવણીમાં લગભગ ૫૦,૦૦૦ લોકો હાજર રહ્યા હતા અને છેલ્લા બે વર્ષમાં રેકોર્ડ સંખ્યામાં લોકો આવ્યા હતા.
કાઉન્સિલે કહ્યું હતું કે ‘’પ્રકાશના હિન્દુ પર્વ માટે દર વર્ષે ભેગા થતા લોકોની સંભવિત રીતે ખતરનાક અને મોટી ભીડને ટાળવા માટે મોટા ફેરફારોની જરૂર છે. સલામતી માટેના સલાહકાર જૂથ દ્વારા જાહેર સલામતી અંગે ગંભીર ચિંતાઓ ઉઠાવવામાં આવ્યા બાદ આ ફેરફારોની જાહેરાત કરવામાં આવી છે. તેમાં દાવો કરવામાં આવ્યો હતો કે હાલની વ્યવસ્થા “હવે હેતુ માટે યોગ્ય નથી” અને આ અંગે તાત્કાલિક પગલાં લેવાની જરૂર હતી. ત્યારબાદ વિકલ્પો પર વિચાર કરવા માટે ઘણી બેઠકો યોજાઈ છે.’’
બેલગ્રેવ બિઝનેસ એસોસિએશનના ધર્મેશ લાખાણીએ કહ્યું હતું કે “મને રાહત થઈ રહી છે કે આ કાર્યક્રમ આગળ વધી રહ્યો નથી, પરંતુ હજુ પણ થોડો નિરાશ છું કે આપણે દિવાળીનો એક મોટો ભાગ ગુમાવી રહ્યા છીએ. આતશબાજી દર વર્ષે થતી હતી. તે ખૂબ જ લોકપ્રિય છે અને તે ભગવાન રામના વિજયનું પ્રતીક છે.”
બેલગ્રેવમાં બુટિક ધરાવતા અરવિંદર ભુલ્લરએ કહ્યું કે ‘’દિવાળી ઉત્સવની ઉજવણીને ખસેડવી તે બિઝનેસીસ માટે વિનાશક હોત. આ એક આંશિક જીત છે. પરંતુ આતશબાજી, ઉત્સવના કાર્યક્રમો અને પાસેના સ્ટોલ વિના તે ખૂબ જ દુઃખદ દિવાળી જેવું લાગે છે.”
આસિસ્ટન્ટ સિટી મેયર ફોર કલ્ચર વી ડેમ્પસ્ટરે જણાવ્યું હતું કે “દુર્ભાગ્યવશ, લેસ્ટરનો વાર્ષિક દિવાળી તહેવાર તેની પોતાની સફળતાનો ભોગ બન્યો છે. અમારા ઇમરજન્સી સર્વિસ પાર્ટનર અને ક્રાઉડ કંટ્રોલ એક્પર્ટ્સ દ્વારા અમને ભારપૂર્વક સલાહ આપવામાં આવી રહી છે કે તે આકર્ષિત થતી અનિયંત્રિત અને વધતી જતી ભીડને કારણે તેના વર્તમાન ફોર્મેટમાં સુરક્ષિત રીતે ચાલુ રહી શકશે નહીં, અને આ એક ચેતવણી છે જેને આપણે ખૂબ ગંભીરતાથી લેવી જોઈએ.’’
તેમણે કહ્યું હતું કે “અમે સંપૂર્ણપણે ચોક્કસ છીએ કે દિવાળી શહેરના ઉત્સવના કેલેન્ડરનો ભાગ રહેશે. અમે 40 વર્ષ પહેલાં શરૂ થયેલા ગોલ્ડન માઇલ પર તેને ચાલુ રાખવાની લાગણીની ઊંડાઈને પણ સમજીએ છીએ. તે કરવા માટે, આપણે ખાતરી કરવી જોઈએ કે તે સુરક્ષિત રીતે થઈ શકે. તે સર્વોપરી હોવું જોઈએ.”
ગયા વર્ષે કાઉન્સિલે નાણાકીય મુશ્કેલીઓને કારણે વાર્ષિક લાઇટ સ્વીચ-ઓન કાર્યક્રમને રદ કરવાનો નિર્ણય લઇને ફક્ત દિવાળી દિવસની ઉજવણી પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઓથોરિટીએ તે સમયે જણાવ્યું હતું કે બેવડા કાર્યક્રમો યોજવાનો ખર્ચ 2018 માં £189,000 થી વધીને 2023 માં £250,000 થયો હતો.
