લેસ્ટરશાયરના ચિફ પોલીસ કોન્સ્ટેબલ રોબ નીક્ષને દિવાળી પ્રસંગે મંદિરની મુલાકાત લીધી હતી અને વોલંટીયર્સને મળ્યા હતા.

સામુદાયિક સેવા પ્રત્યેની અસાધારણ પ્રતિબદ્ધતા બદલ લેસ્ટરના જલારામ ચેરિટેબલ ટ્રસ્ટને કિંગ્સ એવોર્ડ ફોર વોલંટરી સર્વિસ એનાયત કરાયો છે. જે યુકેમાં સ્થાનિક સ્વૈચ્છિક જૂથો માટેનું સર્વોચ્ચ સન્માન છે.

શ્રી જલારામ ચેરિટેબલ ટ્રસ્ટનું અસરકારક કાર્ય સ્વયંસેવકોના સામૂહિક પ્રયાસોને પ્રતિબિંબિત કરે છે, જેઓ સ્થાનિક સમુદાયોને વધારવા અને જીવન સુધારવા માટે પ્રયત્ન કરે છે. ટ્રસ્ટ જલારામ બાપાના સિદ્ધાંતો દ્વારા માર્ગદર્શન મેળવીને જરૂરિયાતમંદોની સેવા કરવા માટે પ્રતિબદ્ધ છે. ટ્રસ્ટ વિવિધ સ્થાનિક સખાવતી સંસ્થાઓને સક્રિયપણે ટેકો આપે છે, જેમાં મેડિકલ કેમ્પ, ગુજરાતી અને શીશુ વિકાસ વર્ગો સામેલ છે.

ટ્રસ્ટે રોગચાળા દરમિયાન ફૂડ ડિસ્ટ્રિબ્યુશન પ્રોગ્રામ અને ટિફિન સેવા દ્વારા નિર્ણાયક સહાય પૂરી પાડી હતી. તો NHS સ્ટાફને 15,000થી વધુ ભોજન પહોંચાડ્યા હતા અને જલારામ કોમ્યુનિટી સેન્ટર ખાતે વેક્સીનેશન સેન્ટર સ્થાપ્યું હતું. સંસ્થા દ્વારા ભક્તોને ઓર્ગન ડોનેશન માટે પ્રોત્સાહિત કરાય છે. દર ગુરુવારે હેલ્પિંગ હેન્ડ્સ કોમ્યુનિટી સેન્ટરમાંથી 150 થી વધુ સ્થાનિક રહેવાસીઓને ગરમ ભોજન પૂરું પાડે છે.

જલારામ ચેરીટેબલ ટ્રસ્ટના અધ્યક્ષ પ્રમોદભાઇ ઠક્કરે જણાવ્યું હતું કે, “મને આનંદ છે કે અમારા બધા સ્વયંસેવક જૂથોના કાર્યને આ પ્રતિષ્ઠિત એવોર્ડ દ્વારા માન્યતા આપવામાં આવી છે. સ્વૈચ્છિક સેવા માટે કિંગ્સ એવોર્ડ આપવામાં આવ્યો તે બદલ અમને ખૂબ જ ગર્વ અને સન્માન છે.’’

LEAVE A REPLY

two × four =