(Photo by Christopher Furlong/Getty Images)

તગડો નફો કરતી લેટેસ્ટ ફેશન બ્રાન્ડ માટે ફેશનેબલ કપડાનું ઉત્પાદન કરતા લેસ્ટરના ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ ઉદ્યોગમાં વર્ષોથી ફેક્ટરી માલિકો બિન્દાસ્ત થઇ મજૂરોનું શોષણ કરે છે. અધિકારીઓ છુપાયેલી આ સમસ્યાનો સામનો કરવામાં નિષ્ફળ ગયા છે. એન્ફોર્સમેન્ટ એજન્સીઓનું કહેવું છે કે તેમની પાસે સત્તાનો અભાવ છે. અનિશ્ચિત ઇમિગ્રેશન સ્ટેટસ ધરાવતા કામદારો ગુનાઓની જાણ કરતા ડરે છે, તેમને બદલો લેવાની ધમકીઓ મળે છે અને ઘણા લોકોની તો પ્રથમ ભાષા અંગ્રેજી નથી જે તેમને માટે અન્ય ઉદ્યોગોમાં કામ શોધવાનું મુશ્કેલ બનાવે છે. ગેંગમાસ્ટર અને લેબર એબ્યુઝ ઑથોરિટી, વર્ક એન્ડ પેન્શન વિભાગ અને હેલ્થ એન્ડ સેફ્ટી અક્ઝીક્યુટીવ આ મુદ્દાઓથી વાકેફ છે પરંતુ આજે પણ પ્રગતિ માટે સંઘર્ષ કરે છે.

આ ઉપરાંત લેસ્ટરમાં ગુનાખોરી, લેબર માર્કેટ એબ્યુઝ, VAT ફ્રોડ, પાસપોર્ટ પડાવી લેવા, બોન્ડેડ લેબર અને ધમકીઓ આપવાના અહેવાલો પણ છે. ફેકટરીઓ ખોલવા અને બંધ કરવા એકાઉન્ટન્ટ્સ અને વકીલોનુ સૈન્ય કામે લાગે છે. લોકોને એવો ભય પણ છે કે ફેશન રિટેલરો લેસ્ટરથી ભાગી જશે અને વિદેશમાં સસ્તી મજૂરી શોધશે અને બ્રિટનના કાપડ ઉદ્યોગને નષ્ટ કરી દેશે.

ધ ટાઇમ્સે કરેલા સંશોધનમાં બહાર આવ્યું હતું કે ‘’લેસ્ટરની કાપડ ફેક્ટરીઓમાં ઘણા દાયકાઓનાં કઠોર કામ પછી મીના (નામ ખોટુ છે) બીમાર છે અને ફોનનો જવાબ આપવા માટે પણ અસમર્થ છે. મહિનાઓ પહેલાં તે દેશની કેટલીક સૌથી મોટી ફાસ્ટ-ફેશન બ્રાન્ડ્સ માટે ક્રોપ ટોપ્સ અને બિકીનીની સીલાઇ કરતી હતી. મીના સાઉથ એશિયન ઇમીગ્રન્ટ મહિલાઓની એક નાની ટીમ સાથે જર્જરિત બિલ્ડિંગના નાના ખૂણામાં તેના ઇન્ડસ્ટ્રીયલ સીવણ મશીન પર કલાકો ગાળતી. પણ તેને કલાકનો માત્ર £4નો રોકડ પગાર આપવામાં આવતો. પણ ક્યારેય હોલી ડે પે કે સીક પે મળતો નહતો.

ગેંગમાસ્ટર અને લેબર એબ્યુઝ ઑથોરિટીના ઑપરેશન ડાયરેક્ટર ઇયાન વોટરફિલ્ડે ટાઇમ્સને જણાવ્યું હતું કે ‘’અમે બોન્ડેડ લેબરના અહેવાલોની તપાસ કરી રહ્યા છીએ જેમાં ગેરકાયદેસર લવાયેલા કામદારો સામેલ છે. અમે બોસીસ દ્વારા પૂરા પાડવામાં આવેલ આવાસોમાં રહેતા કામદારોના કિસ્સાઓ શોધી કાઢ્યા છે અને એમ્પ્લોયર દ્વારા બેંક એકાઉન્ટ્સ નિયંત્રિત કરવામાં આવી રહ્યા છે. કેટલાક કામ કરીને પણ બેનીફીટ મેળવી રહ્યા છે.‘’

ફ્રીડમ ઓફ ઇન્ફોર્મેશન અંતર્ગત જણાયું હતું કે 2012 અને 2019ની વચ્ચે નેશનલ મિનીમમ વેજનું પાલન ન કરવાના 25થી ઓછા કિસ્સાઓ મળ્યાં છે. કંપનીઓ સરળતાથી એકાઉન્ટ્સના બે સેટ ચલાવી શકે છે અને “શેડો વર્કફોર્સ”ને છુપાવી શકે છે. લેસ્ટરનું “શેડો વર્કફોર્સ” ક્યાંય નોંધાયેલ નથી.

એક ફેક્ટરીના માલિકે કહ્યું હતું કે ‘’શહેરના મોટા ફાસ્ટ-ફેશન લેબલ્સ સાથે કરાર સુરક્ષિત કરવામાં હું અસમર્થ છું. કારણ કે અમારા ભાવ ખૂબ વધારે છે. હું £7માં ડ્રેસ બનાવી શકું છું તો કોઇ તે જ ડ્રેસ તેમને £6માં બનાવી આપે છે. મારે દરેકને પગાર સહીતની યોગ્ય રીતે ચૂકવણી કરવાની હોય તે હું તેમની સાથે કેવી રીતે સ્પર્ધા કરી શકું? બીજા સ્થાનિક ફેક્ટરી માલિકો પણ મને વેતન દર નીચે લાવવા મારા પર દબાણ લાવશે. વળી મજૂરોને ઓછા પૈસા ચૂકવનારા કારખાનાના માલિકો તેમને બિઝનેસ આપનાર લોકોને નિયમિત હોલીડેઝ અથવા બર્બેરી ઘડિયાળો સહિતની ભવ્ય ભેટો આપી બિઝનેસ મેળવે છે.

ધ ટાઇમ્સની તપાસમાં જાણવા મળ્યું છે કે લેસ્ટરના કામદારોને ફેશન લેબલ ‘ક્વિઝ’ દ્વારા કપડાં બનાવવા માટે એક કલાકના £3ની ઓફર કરવામાં આવતી હતી. લૉકડાઉન કરતા પહેલા એક ફેકટરીમાં એક અંડરકવર રીપોર્ટરને બોસ દ્વારા કહેવામાં આવતું હતું કે તેણે એક કલાકના £3 કે £4 ના દરે કામ કરવું પડશે અને પહેલા બે દિવસનુ વેતન મળશે નહિ. સ્પિની હિલ્સ વિસ્તારમાં આવેલી ફેક્ટરીમાં ક્વિઝ-બ્રાન્ડેડ જેકેટ્સ જોવા મળ્યાં હતાં.

ક્વિઝના યુકે અને આયર્લેન્ડમાં 100થી વધુ સ્ટેન્ડઅલોન સ્ટોર્સ છે અને ડેબેનહેમ્સમાં 92 અને હાઉસ ઑફ ફ્રેઝરમાં સાત કન્સેશન્સ ચલાવે છે. તેના કપડાં નેક્સ્ટ દ્વારા પણ વેચવામાં આવે છે. ધ ટાઇમ્સ દ્વારા આ મુદ્દા અંગે સજાગ કરાયા પછી કંપનીએ કહ્યું હતું કે “ક્વિઝ આ અંગે તપાસ કરી રહી છે. અમે એથિકલ કોડ ઓફ પ્રેક્ટિસનું પાલન નહિ કરનાર સપ્લાયર્સને સહન કરતા નથી. કામની સ્થિતિ અંગેના નિયમોના ભંગ સ્વીકાર્ય નથી.”

નેશનલ ક્રાઇમ એજન્સી (એનસીએ) અને ગેંગમાસ્ટર્સ એન્ડ લેબર એબ્યુઝ ઓથોરિટીએ ગઈકાલે રાત્રે ટાઇમ્સ તરફથી મળેલા પુરાવાના ડોઝિયરની તપાસ આદરી હતી.

સાંસદોએ તાજેતરના ઘટસ્ફોટને ઉદ્યોગ માટે “ટિપિંગ પોઇન્ટ” ગણાવ્યા હતા અને સરકારને ફોજદારી પ્રતિબંધો લાગુ કરવા હાકલ કરી હતી, જેથી રિટેલરો તેમની સપ્લાય ચેઇનના ગેરકાયદેસર વ્યવહાર માટે જવાબદાર બનાવી શકાય.

લોકડાઉન દરમિયાન લેસ્ટરની ફેક્ટરીઓએ લોકોના જીવ જોખમમાં મૂક્યા હોવાનો દાવો

લેસ્ટરની ફેક્ટરીએ લોકડાઉન દરમિયાન લોકોના જીવ જોખમમાં મૂક્યા હોવાનો એક ગાર્મેન્ટ વર્કરે દાવો કર્યો હતો અને આક્ષેપ કર્યો હતો કે લોકડાઉન દરમિયાન બંધ દરવાજા પાછળ ઉત્પાદન ચાલુ હતું. નામ નહિં આપનાર અનિલે (ખોટુ નામ) જણાવ્યું હતું કે ‘’કોરોનાવાયરસ લોકડાઉનના કારણે ફેક્ટરી ચલાવી શકાય તેમ નહતી. પરંતુ તેમણે બપોરથી દરવાજા બંધ કરી દીધા હતા અને અંદર કામ ચાલુ હતુ. આ ફેક્ટરીઓ રાતભર અને ચાલી હતી. ઘણી વખત સવારે છ વાગ્યે કામ સમાપ્ત થયું હતું. હજૂ ગયા રવિવારે તા. 5ના રોજ લોકો રાતભર કામ કરવા માંગતા ન હતા પણ જરુર છે તેમ કહી કામ કરવા જણાવાયું હતું.” જ્યારે લેસ્ટરના નવા લોકડાઉનની ઘોષણા કરવામાં આવી ત્યારે ભય સપાટી પર આવ્યો હતો કે ફેક્ટરીની સ્થિતિના કારણે શહેરમાં ચેપનો બીજા ઉથલો આવ્યો છે.

હેલ્થ એન્ડ સેફ્ટી એક્ઝિક્યુટિવ (HSE) અને ગેંગમાસ્ટર્સ એન્ડ લેબર એબ્યુઝ ઓથોરિટી (જીએલએએ) જેવી સંસ્થાઓ સક્રિય થતાં આ અઠવાડિયે રાત પાળીનો અંત આવ્યો હતો અને હેન્ડ સેનિટાઇઝર સ્ટેશનો, સામાજિક-અંતરનાં પગલાં પ્રથમ વખત મૂકવામાં આવ્યા. પૂરો પગાર ચૂકવવામાં આવ્યો છે તે સાબીત કરવા સ્ટાફે પાર્ટટાઇમ કામ કર્યુ હોવાનુ બતાવાયું હતું.

ગાર્ડિયનની તપાસમાં જણાયું હતું કે ‘’એવા કેસો પણ છે કે જ્યાં કામદારોના એમ્પલોયમેન્ટ અને આઇડી દસ્તાવેજો ફેક્ટરી માલીક દ્વારા લઇ લેવાયા હતા જેથી તેઓ અન્યત્ર કામ ન કરી શકે. આ કારખાનાઓ કઇ કંપનીઓને માલ સપ્લાય કરે છે તે સ્પષ્ટ થઈ શક્યું નથી.

બુધવારે સાંજે અનિલ કામ કરે છે ત્યાં એક અનામી મકાનમાં કામ કરીને છુટેલી 20 મહિલાઓએ તેઓ ફક્ત ગુજરાતી જ બોલે છે તેમ જણાવી પ્રશ્નોનો જવાબ આપવાનું ટાળ્યું હતું. જ્યારે ફેક્ટરીના દરવાજા પરના સુપરવાઈઝરે ફેક્ટરીમાં સમસ્યાઓનો ઇનકાર કરી તેમને પત્રકારો સાથે વાત ન કરવાનું જણાવાયું છે તેમ કહ્યું હતું.

અનિલ પણ તેના પરિવારની સુરક્ષા માટે ડર હોવાથી ખચકાતો હતો. પણ પત્ની અને તેમના બે બાળકોનુ પેટ ભરવા અઠવાડિયામાં આશરે 40 કલાક કામ કરી માંડ £200 એટલે કે કલાકના £5 વેતન તરીકે મેળવે છે. ફેક્ટરીમાં કોઇ કેન્ટીન નહોતી અને ફેક્ટરીના માળે ઉંદરો દેખાતા હતા. ગયા અઠવાડિયા સુધી કોઈ હેન્ડ સેનિટાઇઝર નહોતા કે પુરુષોના ટોઇલેટમાં સાબુ નહોતા.

એચએસઈ, જીએલએએ અને અન્ય સંસ્થાઓ 20થી વધુ ફેક્ટરીઓ અને સંબંધિત બિઝનેસીસની મુલાકાતો લીધી છે. હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકએ જણાવ્યું હતું કે આ મુદ્દાઓ “રડાર હેઠળ” હતા અને તેમણે વચન આપ્યું હતું કે સરકાર કાર્યવાહી કરશે.

દરમિયાન, હજુ સુધી આવી કોઇ ફેક્ટરી સાથે સંબંધો ધરાવતી ન હોવાનું જણાવનાર અને £5 બિલીયનનું મુલ્ય ધરાવતી ફાસ્ટ ફેશન કંપની બૂહૂના મુલ્યમાં £1.5 બિલીયનનો ઘટાડો થયો છે. બૂહુએ એક તપાસ શરૂ કરી ભાર મૂકવાની માંગ કરી હતી કે તે સપ્લાય ફેક્ટરીઓમાંના મુદ્દાઓ માટે જવાબદાર નથી.

શુક્રવારે, કંપનીએ ગાર્ડિયનને જણાવ્યું હતું કે તે “આ વિસ્તારના કેટલાક કપડા ઉત્પાદકોનો ગ્રાહક છે અને તે દરેક પર કડક આચારસંહિતા ધરાવે છે. તે નબળી પ્રથાને ચલાવી લેશે નહિ. વધારાનુ ઓડિટિંગ અને કોમ્પલાયન્સ ટીમોને આ અઠવાડિયે મોકલવામાં આવી છે.”