લિબરલ ડેમોક્રેટ્સના નવા ચૂંટાયેલા નેતા સર એડ ડેવીએ પોતાના પક્ષના સદસ્યોને “ઉંઘમાંથી જાગવા અને કોફીનો ગંધ”ને પારખવાની અપીલ કરી છે. ડિસેમ્બરથી કાર્યકારી નેતા તરીકે વરાયેલા સર એડે લૈલા મોરનને 63.5 ટકા મત મેળવીને હરાવ્યા હતા અને ઝડપથી મતદારોનો વિશ્વાસ પાછો મેળવવાની પ્રતિજ્ઞા લીધી હતી.

ગયા વર્ષની સામાન્ય ચૂંટણીમાં પક્ષના નેતા જો સ્વિન્સને તેમની બેઠક ગુમાવ્યા બાદ શરૂ થયેલી પક્ષ પ્રમુખની આ સ્પર્ધામાં તેઓ બુકીઓના પ્રિય હતા. સર એડ ગત ડિસેમ્બરમાં થયેલી ચૂંટણીમાં માત્ર 11 એમપીની બેઠકો જીતનાર પક્ષની છાપને સુધારવા સંઘર્ષ કરી રહ્યા છે. જો કે તેમની વરણી માટે થયેલા મતદાનમાં પક્ષના કુલ 57.6 ટકા સભ્યોએ મતદાન કર્યું હતું.

લંડનમાં આપેલા ભાષણમાં સર એડે ‘’નેશનલ લીસનીંગ પ્રોજેક્ટ” શરૂ કરવાનું વચન આપતાં જણવ્યું હતું કે “રાષ્ટ્રીય સ્તરે અમારી પાર્ટીએ ઘણા બધા મતદારોનો સંપર્ક ગુમાવ્યો છે. અમારા કેમ્પેઇનર્સ સ્થાનિક લોકોની વાતો સાંભળે છે, સમુદાયો માટે સખત મહેનત કરે છે અને પરિણામ લાવે છે. પરંતુ રાષ્ટ્રીય સ્તરે અમારે ત્રણ સામાન્ય ચૂંટણીઓના નિરાશાજનક તથ્યોનો સામનો કરવો પડ્યો છે.”

ગ્રેટર લંડનમાં કિંગ્સ્ટન અને સર્બિટનનું પ્રતિનિધિત્વ કરનાર સર એડે ગઠબંધન સરકારમાં એનર્જી અને ક્લાયમેટ ચેન્જ સેક્રેટરી તરીકે સેવાઓ આપી હતી.