પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ભારત સરકારે દેશની જાહેર ક્ષેત્રની સૌથી મોટી જીવન વીમા કંપની લાઇફ ઇન્સ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા (LIC)ના સૂચિત આઇપીઓમાં તેના પોલિસીહોલ્ડર્સ માટે શેર અનામત રાખવામાં આવે તેવી શક્યતા છે. સરકારે એલઆઇસીના આઇપીઓ મારફત તેનો હિસ્સો લાવવાની બજેટમાં જાહેરાત કરી હતી. LICનો આઇપીઓ આગામી ઓક્ટોબર બાદ આવવાની ધારણા છે.

સુત્રોના જણાવ્યા અનુસાર સરકાર LICના આઇપીઓમાં તેના વીમા પોલિસીધારકો માટે વિશેષ રિઝર્વ ક્વોટા રાખી શકે છે. ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્વેસ્ટમેન્ટ એન્ડ પબ્લિક એસેટ મેનેજમેન્ટ (DIPAM)એ એવા સંકેત આપ્યા છે કે સરકાર આઇપીઓમાં પોલિસીધારકોની માટે 10 ટકા હિસ્સો રિઝર્વ રાખી શકે છે. LICના ઘણા પોલિસીધારકો પાસે ડિમેટ એકાઉન્ટ નથી. તેથી LICનો આઇપીઓ લાવતા પહેલા 6થી 8 મહિનામાં એક કરોડ જેટલા નવા ડિમેટ એકાઉન્ટ ખોલવામાં આવશે. કેન્દ્ર સરકારે વર્ષ 2021-22ના બજેટમાં જાહેર ક્ષેત્રની કંપનીઓનો હિસ્સો વેચીને 1.75 લાખ કરોડ રૂપિયા એક્ત્ર કરવાનો લક્ષ્યાંક મૂક્યો છે.