સરકારી બેન્કોની નોન-પર્ફોર્મિંગ એસેટ્સ (NPA) કૂદકે અને ભૂસકે વધી રહી છે તેમાં કોઇ નવાઇ નથી પરંતુ હંમેશાં સરકાર માટે સંજીવની પુરવાર થતી જાહેરક્ષેત્રની એકમાત્ર જીવન વીમા કંપની LICની NPAમાં પણ તોતિંગ વધારો નોંધાયો છે. ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષના પ્રથમ ૬ મહિનામાં સપ્ટેમ્બર ૨૦૧૯ના અંતે LICની NPA રૂપિયા ૩૦,૦૦૦ કરોડને પાર થઈ હતી. તેનો અર્થ એ થયો કે ભારતની એકમાત્ર સરકારી જીવન વીમા કંપનીની NPA એપ્રિલ ૨૦૧૯થી સપ્ટેમ્બર ૨૦૧૯ સુધી ૬.૧ ટકા પર પહોંચી ગઇ હતી. અહેવાલ પ્રમાણે છેલ્લા પાંચ વર્ષમાં LICની NPA બમણી થઇ ચૂકી છે.
સામાન્ય રીતે LICની NPA ૧.૫થી ૨.૦ ટકાની વચ્ચે રહેતી હોય છે. દેશમાં કાર્યરwત ખાનગી બેન્કો યસ બેન્ક, એક્સિસ બેન્ક અને આઇસીઆઇસીઆઇ બેન્કની NPA પણ આજ મર્યાદામાં રહેતી આવી છે પરંતુ ૨૦૧૯-૨૦ના નાણાકીય વર્ષના પહેલા ૬ મહિનામાં આ બેન્કોની NPA પણ અનુક્રમે ૭.૩૯ ટકા, ૫.૦૩ ટકા અને ૬.૩૭ ટકા પર પહોંચી છે.
અહેવાલ પ્રમાણે LICની NPA માટે આ બેન્કોને નડી રહેલું કારણ જ જવાબદાર છે. કોર્પોરેટ ડિફોલ્ટના કારણે આ બેન્કોની જેમ LICની NPAમાં પણ વધારો થયો છે. LICના મોટા ડિફોલ્ટરોમાં ડેક્કન ક્રોનિકલ, એસ્સાર પોર્ટ, ગેમોન, IL&FS, ભૂષણ પાવર, વીડિયોકોન ઇન્ડસ્ટ્રીઝ, આલોક ઇન્ડસ્ટ્રીઝ, એમટ્રેક ઓટો, એબીજી શિપયાર્ડ, યુનિટેક, જીવીકે પાવર, જીટીએલ સહિતની કંપનીઓ છે. LICએ આ કંપનીઓને ટર્મ લોન તો આપી જ છે, તે ઉપરાંત એનસીડી દ્વારા પણ આ કંપનીઓમાં રોકાણ કરેલું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, સરકાર જ્યારે પણ આર્થિક મુશ્કેલીમાં સપડાય છે. ત્યારે LICના ખજાના પર નજર દોડાવે છે. ઘણી બધી આર્થિક મુશ્કેલીમાં LIC સરકારની મદદે આવી છે. પરંતુ હવે LICની NPA વધી જતાં સરકાર માટે મુશ્કેલી સર્જાઈ તેવા સંજોગો ઊભા થયા છે.
એક તરફ સરકારી બેન્કોમાં NPAએ માઝા મૂકી છે ત્યારે જાહેર ક્ષેત્રની વીમા કંપનીની NPA સરકાર માટે સમસ્યા સાબિત થાય તેવી સંભાવના છે.
મોટાભાગના ડિફોલ્ટ કેસમાં LICને નાણા પરત મળવાની કોઇ આશા નથી. LICને વર્ષે રૂપિયા ૨,૬૦૦ કરોડ કરતાં વધુનો નફો થાય છે. LICએ આ NPA માટે ૯૦ ટકા કરતાં વધુ કેસમાં તેના હિસાબકિતાબની વ્યવસ્થા કરી લીધી છે. બેન્કરપ્સીના કેટલાક કેસમાં LICને નાણા પરત મળવાની કોઇ ગેરંટી નથી તેથી તેને આ પ્રકારની લોન માંડવાળ કરી દેવી પડશે. જેના કારણે LICને મોટું નુકસાન વેઠવું પડશે.