Getty Images)

ગરમીના વાતાવરણમાં કોરોના સંક્રમણ ખતમ થઈ જશે તેવી માન્યતા ખોટી પડી રહી છે. દેશમાં કોરોનાના કેસમાં દરરોજ નોંધપાત્ર વધારો થઈ રહ્યો છે. હેલ્થ અને ઈન્ફેકશન એકસપર્ટ વાયરસને સમજવામાં નિષ્ફળ રહ્યા છે. હાલમાં માત્ર અનુમાનો પર આધાર રખાઈ રહ્યો છે. તબીબો અનુસાર, આ વાયરસ હજુ નવો છે તેના પર અભ્યાસ ચાલી રહ્યો છે. જે રીતે આ વાયરસ પર ઠંડીની જેમ ગરમીની પણ કોઈ અસર નથી થઈ તે જ રીતે ચોમાસામાં પણ આ સંક્રમણના ફેલાવામાં કોઈ જ અસર થશે નહી.

એલએનજેપીનાં માઈક્રોબાયોલોજીસ્ટ વિભાગનાં એચઓડી ડો. સોનલ સકસેનાએ જણાવ્યું કે, ચોમાસામાં આ વાયરસનું સંક્રમણ કેવું હશે તે કહેવું મુશ્કેલ છે. પરંતુ અત્યાર સુધી તેના પર વાતાવરણની કોઈ અસર દેખાઈ રહી નથી. જો કે ડો. સોનલનાં જણાવ્યા પ્રમાણે, વરસાદમાં મચ્છરની ઉત્પતિ વધતા ડેંગ્યુ અને ચિકનગુનીયાના વાયરસ એકબીજામાં ટ્રાન્સફર થતા હતા. પરંતુ આ વાયરસ માણસમાંથી માણસમાં દેખાઈ રહ્યો છે તેથી ચોમાસા દરમિયાન આ વાયરસ કેટલો સક્રીય રહેશે, મંદ પડશે કે ઝડપથી ફેલાશે તેના વિશે સચોટ રીતે કહેવું મુશ્કેલ છે.

માઈક્રોબાયોલોજીસ્ટ અને ઈન્ફેકશન એકસપર્ટ ડો. નરેન્દ્ર સૈનીએ પણ આવો જ મત વ્યક્ત કર્યો છે. તેમના જણાવ્યા અનુસાર, અભ્યાસનાં આધારે એટલું કહી શકાય કે વાયરસ પર ભેજની કોઈ જ અસર દેખાશે નહી. ચોમાસામાં ભેજની ટકાવારી વધશે તો પણ તેમાં આ વાયરસ ખતમ નહીં થાય. આ વાયરસ એક માણસમાંથી બીજા માણસમાં ફેલાય છે અને આ ત્યારે જ શકય છેજયારે બે માણસો એકબીજાના અત્યંત નજીકનાં સંપર્કમાં આવે. તેથી તેના પર ભેજની કોઈ જ અસર પડી ન શકે. ચોમાસામાં આ વાયરસ વધુ સક્રીય થાય તેવી વાત છે તો હાલમાં તેના પર વધારે કંઈ જ કહી ન શકાય.

બીએલકે સુપર સ્પેશ્યાલીટી હોસ્પિયલની માઈક્રોબાયોલોજીસ્ટ ડિપાર્ટમેન્ટનાં એચઓડી ડો. પૂર્બી બર્મનનાં જણાવ્યા પ્રમાણે, એવું પણ માનવામાં આવતું હતું કે ગરમીમાં આ વાયરસ ખતમ થઈ જશે, પણ એવું કશું જ ન થયું. જો કે ચોમાસામાં ડેંગ્યુ, મેલેરીયા, ચીકનગુનીયાનાં વાયરસ સક્રીય થવાનું જોખમ છે. એક હકીકત એ પણ છે કે ભેજવાળા વાતાવરણમાં વાયરસ ઝડપથી ફેલાય છે. પરંતુ આ વાયરસ ફેલાશે કે નહીં તે કહી ન શકાય.