(Photo by Toby Melville/WPA Pool/Getty Images)

6 મે ના રોજ યોજાયેલી ચૂંટણીઓમાં સ્કોટલેન્ડમાં, સ્કોટીશ નેશનાલિસ્ટ પાર્ટીએ સત્તામાં આવી સતત ચોથી ટર્મ જીતી હતી. જો કે બહુમતીમાં એક બેઠક ઓછી રહી હતી. વેલ્સમાં, લેબરે સેનેડ પર નિયંત્રણ જાળવી રાખ્યુ છે અને કુલ 30 બેઠકો જીતી હતી. તો બીજી તરફ સાદિક ખાને લંડનના મેયર તરીકેની બીજી ટર્મ જીતી લીધી હતી. લેબર પાર્ટી લંડન એસેમ્બલીમાં પણ પોતાનું વર્ચસ્વ જાળવી રાખ્યું હતું. લેબર પાર્ટીએ અનેક કાઉન્સિલોનું નિયંત્રણ ગુમાવવા ઉપરાંત હાર્ટલીપુલની પેટા-ચૂંટણીમાં ટોરીઝ સામે હારનો સામનો કરવો પડ્યો હતો.

વેલ્સમાં લેબરે 30, કોન્ઝર્વેટિવ્સે 16, પ્લાઇડ સીમરૂએ 13 તેમજ લિબ ડેમે એક બેઠક જીતી હતી. સેનેડમાં 30 બેઠકો જીતેલી લેબર પાર્ટીના માર્ક ડ્રેકફોર્ડ વેલ્સના ફર્સ્ટ મિનીસ્ટર તરીકે ચાલુ રહેશે. સૌથી મોટી પાર્ટી લેબર પાસે હવે તેમની 30 બેઠકોમાંથી 17 મહિલા સેનેડ સભ્યો છે જ્યારે પ્લાઇડ સીમરૂ પાસે 13 માંથી પાંચ અને કૉન્ઝર્વેટિવ્સમાં 16માંથી 3 મહિલા સભ્યો ચૂંટાઇ આવી છે. વેલ્સમાં માર્ક ડ્રેકફોર્ડે વેલ્સ સંસદની ચૂંટણીઓમાં લેબરને તેના શ્રેષ્ઠ પ્રદર્શન તરફ દોરી હતી અને એક બેઠકથી તેનુ અંતર બહુમતીથી ટૂંકું પડી ગયું હતું. છેલ્લા 22 વર્ષથી વેલ્સમાં લેબર સત્તામાં છે.

વેલ્સ પાર્લામેન્ટમાં સૌ પ્રથમ વખત એશિયન મહિલા નતાશા અસગર ચૂંટાઇ આવ્યા હતા અને તેઓ વેલ્સના રાજકારણમાં વધુ વૈવિધ્યસભર પૃષ્ઠભૂમિના લોકોને જોવાની આશા રાખે છે. કન્ઝર્વેટિવ ઉમેદવાર નતાશાએ જણાવ્યું હતું કે તેઓ રાજકારણમાં પ્રવેશતા અવરોધોનો સામનો કરનારા લોકો માટે પ્રેરણા અને “અવાજ” બનવા માંગે છે. સેનેડ “ખૂબ જ જૂનું” છે અને “વધુ વૈવિધ્યસભર સમુદાયો કે જે ખરેખર વેલ્સનું પ્રતિનિધિત્વ કરે છે તેમાં પ્રતિબિંબિત થવું જોઈએ. હું યુવક-યુવતીઓને પ્રેરણા આપવા માંગુ છું કે તેઓ કાર્યક્ષમ છે, તે પ્રાપ્ત થઈ શકે છે હું જ્યાં છું ત્યાં પહોંચવા માટે એક મંચ બનવાની આશા રાખું છું.”

ન્યુ સાઉથ વેલ્સ ઇસ્ટના સદસ્ય નતાશાના સ્વર્ગસ્થ પિતા મોહમ્મ્દ અશગર પણ સેનેડ સભ્ય હતા. 2003માં વેલ્સ સમાન જાતિના સભ્યો ધરાવતી પ્રથમ સંસદ ધરાવતો વિશ્વનો પહેલો દેશ હતો, પરંતુ હવે 60 માંથી 26 મહિલાઓ વેલ્સની નવી સંસદની સદસ્ય બનશે. મોહમ્મદ અસગર ગયા વર્ષે મૃત્યુ પામ્યા તે પહેલા 13 વર્ષ સુધી સાઉથ વેલ્સ ઇસ્ટ ક્ષેત્રનું પ્રતિનિધિત્વ કર્યું હતું.

વેલ્સમાં, ગુરૂવારે ચૂંટાયેલા સભ્યોમાં 43 ટકા મહિલાઓ છે. જ્યારે યુકેની સંસદમાં 2019માં સામાન્ય ચૂંટણીમાં ચૂંટાયેલ મહિલા એમપીની સંખ્યા 34 ટકા છે. જ્યારે ગઇ સ્કોટિશ સંસદમાં 37 ટકા મહિલા સભ્ય હતી. ચૂંટણી પૂર્વે વેલ્સની સંસદમાં મહિલાઓની સંખ્યા 48 ટકા એટલે કે 29 મહિલાઓ હતી.

સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટીએ 64 બેઠકો જીતી

સ્કોટિશ સંસદની ચૂંટણીમાં સ્કોટિશ નેશનાલિસ્ટ પાર્ટી (એસએનપી)એ 64 બેઠકો જીતી લીધી હતી જે પૂર્ણ બહુમતીમાં એક ઓછી અને 2016ની ચૂંટણી જીત કરતાં એક વધુ છે. પક્ષના નેતા નિકોલા સ્ટર્જને “ઐતિહાસિક અને અસાધારણ” પરિણામ તરીકે તેમની પાર્ટીની સતત ચોથી જીતને બિરદાવી હતી. જો કે એસ.એન.પી.ને બહુમતી મળી ન હોવાથી આગામી પાંચ વર્ષોમાં હોલીરૂડ પર વાસ્તવિક ફરક પડશે. લઘુમતી સરકારને બજેટ અને તેના તમામ મોટા સુધારાઓ પસાર કરવા માટે અન્ય પક્ષોના સમર્થનની જરૂર પડશે. ખાસ કરીને સ્કોટિશ ગ્રીન્સ – જે છેલ્લી મુદતમાં એસ.એન.પી.ના ભાગીદાર હતા તેઓ નિર્ણાયક મતોના બદલામાં તેમની કેટલીક નીતિગત પ્રાથમિકતાઓ પસાર કરાવે તેવી સંભાવના છે. તેનો અર્થ એ પણ છે કે એસએનપી પાસે કોઈ પણ હોલીરૂડ કમિટી પર બહુમતી રહેશે નહીં.

આ વખતે આશ્ચર્યજનક રીતે 63 ટકા લોકો મતદાન કરવા માટે બહાર આવ્યા હતા, જે અગાઉના હોલીરૂડ પોલની સરેરાશ કરતા દસ ટકા વધારે છે. આ માટે પોસ્ટલ વોટ રજિસ્ટ્રેશનમાં વધારા સહિત ઘણા પરિબળો હોઇ શકે છે.

2021ની ટર્મમં કુલ 58 મહિલા એમએસપીની રેકોર્ડ સંખ્યા શામેલ થઇ છે. એસએનપીમાં હવે 34 મહિલાઓ છે, લેબરમાં 10 છે, કન્ઝર્વેટિવમાં આઠ, સ્કોટિશ ગ્રીન્સ પાસે પાંચ છે અને લિબ ડેમ્સમાં એક મહિલા એમએસપી છે. આ વખતે હોલીરૂડમાં એસએનપીની કૌકાબ સ્ટુઅર્ટ અને સ્કોટિશ ટૉરીઝની પામ ગોસલ પ્રથમ રંગીન મહિલા સદસ્યો છે.

ઇંગ્લેન્ડમાં ગ્રેટર માન્ચેસ્ટર અને લંડન સિવાય લેબરનો રકાસ

ગ્રેટર માન્ચેસ્ટરમાં લેબરે પોતાનુ મેયરપદ જાળવી રાખ્યું હતું અને એન્ડી બર્નહામે લેન્ડસ્લાઇડ જીત મેળવી હતી. લેબર પાર્ટી વેસ્ટ મિડલેન્ડ્સના લોકપ્રિય મેયર – કન્ઝર્વેટિવના એન્ડી સ્ટ્રીટને દૂર કરવામાં નિષ્ફળ રહી હતી અને તેઓ બીજી વખત જીતી આવ્યા હતા. જો કે, સમગ્ર ઇંગ્લેન્ડમાં એકંદરે વિપક્ષ લેબરનો દેખાવ મોટા ભાગે નિરાશાજનક રહ્યો હતો અને તેણે પોતાના ઘણા ગઢ ગુમાવ્યા છે. કન્ઝર્વેટિવ્સે લગભગ 12 કાઉન્સિલો પર નિયંત્રણ મેળવ્યું છે અને લેબર સાત કાઉન્સિલનું નિયંત્રણ ગુમાવ્યું છે.

યુકેમાં અન્યત્ર, લેબરે કાઉન્સિલની ચૂંટણીઓમાં મોટી સંખ્યામાં બેઠકો ગુમાવી દીધી છે, જેમાં કૉન્ઝર્વેટિવ્સે ઇંગ્લેન્ડમાં 200થી વધુ નવા કાઉન્સિલરો મેળવ્યા હતા અને 11 કાઉન્સિલ પર નિયંત્રણ મેળવ્યું હતું અને વેસ્ટ મિડલેન્ડ્સના મેયરનું પદ જાળવી રાખ્યું હતું.

લેબરે ગ્રેટર માન્ચેસ્ટર, નોર્થ ટેનીસાઇડ, લિવરપૂલ સિટી રિજન અને ઇંગ્લેંડના વેસ્ટમાં મેયરની ચૂંટણીઓ જીતી છે. ઇંગ્લેન્ડના પરિણામો વેલ્સથી વિપરીત છે, પણ ઇંગ્લેન્ડમા લેબરને શ્રેણીબદ્ધ ઝટકા પડ્યા હતા અને ડરહામ, શેફિલ્ડ અને પ્લેમથ સહિતની કાઉન્સિલનુ નિયંત્રણ ગુમાવવુ પડ્યુ હતું. કૉન્ઝર્વેટિવ્સે નોટિંઘામશાયર, બેસિલ્ડન, હાર્લો પણ જીતી લીધા હતાં. ટીઝ વેલીમાં તો હાલના ટોરી મેયર બેન હૌચેન મતનો 73 ટકા હિસ્સો જીતીને  લેબરને ધોબીપછાડ આપી હતી.

પરંતુ લેબરે ટોરીઝ પાસેથી વેસ્ટ ઇંગ્લેન્ડના ઘણા વિસ્તારોમાં મેયરનું પદ હાંસલ કર્યું હતું. જેમાં લંડન, ઉપરાંત લિવરપૂલ, લિવરપૂલ સિટી રિજન, ડોન્કાસ્ટર અને સેલ્ફર્ડ સહિતના અન્યને જાળવી રાખ્યા હતા. સેલફર્ડ શહેરના મેયરની ચૂંટણીમાં લેબર ઉમેદવાર પોલ ડેનેટ પણ 59% મતો સાથે ફરીથી ચૂંટાયા હતા. શ્રી ડેનેટે 59 ટકા મત સાથે પ્રથમ તબક્કામાં જ જીત મેળવી હતી.

યુકેના પર્યાવરણ સચિવ જ્યોર્જ યુસ્ટાઇસે જણાવ્યું હતું કે ‘’તાજેતરના વર્ષોમાં બ્રેક્ઝિટ બાબતે વિવાદ ઉભો કરનાર લેબરને લીવ વોટીંગવાળા વિસ્તારોમાં સજા આપવામાં આવી હતી. બોરિસ જોન્સનની આગેવાની હેઠળના કન્ઝર્વેટિવ્સને પણ કોવિડ-19 સામેની રસીના સફળ રોલ-આઉટનો ફાયદો થયો હોવાનું મનાય છે.

લેબરે ડેપ્યુટી લીડર એન્જેલા રાયનરને બરતરફ કર્યા

ડિસેમ્બર 2019ની સામાન્ય ચૂંટણીની હાર બાદ જેરેમી કોર્બીન પાસેથી પદ સંભાળનાર લેબર નેતા સર કેર સ્ટાર્મર માટે આ પ્રથમ ચૂંટણી જંગ નેતૃત્વ પરિક્ષણ તરીકે જોવામાં આવતો હતો. તેમણે ડેપ્યુટી લીડર અને પક્ષના સ્થાનિક ચૂંટણી પ્રચારના અધ્યક્ષ એન્જેલા રાયનરને નાટકીય રીતે બરતરફ કરીને પોતાની પ્રતિક્રિયા આપી હતી. લેબર નેતા સ્ટાર્મરે કહ્યું હતું કે તેઓ તેમના પક્ષના રકાસ બદલ “સંપૂર્ણ જવાબદારી” લે છે અને તેમની ટોચની ટીમમાં વધુ ફેરબદલ કરવા માટે તૈયાર છે.