high court of Gujarat
હાઇ કોર્ટ ઓફ ગુજરાત, અમદાવાદ (istockphoto.com)

મસ્જિદ પર વાગતાં મોટા-મોટા લાઉડસ્પીકર્સ ઉપર પ્રતિબંધ મૂકવાની જાહેર હિતની અરજીની સુનાવણી કરતાં ગુજરાત હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ આપીને જવાબ માંગ્યો હતો.

ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ એ.જે.શાસ્ત્રીની ખંડપીઠે રાજ્ય સરકારને નોટિસ પાઠવી હતી. આ અરજી કરનારા એડવોકેટ ધર્મેશ ગુર્જરે બુરખા ઉપર શૈક્ષણિક સંસ્થાનોમાં પ્રતિબંધ મુકવાની માગ સાથેની અરજી પણ કરી છે. સાથે જ તેમણે આવી અરજીઓ કરી હોવાથી તેમના જીવને જોખમ હોવાની રજૂઆત સાથે પોલીસ પ્રોટેક્શનની માગ પણ કરી છે.

મંગળવારે હાઇકોર્ટ સમક્ષ લાઉડસ્પીકર્સના કેસની સુનાવણી નીકળી ત્યારે ચીફ જસ્ટિસે સવાલ કર્યો હતો કે,‘કઇ રીતે લાઉડસ્પીકર્સ ધ્વનિપ્રદૂષણ કરે છે? કાયદામાં કેટલા ડેસિબલની પરમિશન નિશ્ચિત કરવામાં આવી છે એ અમને જણાવો?’એડવોકેટે કહ્યું હતું કે,‘શા માટે કોઇ વ્યક્તિને એ અવાજો કે ધ્વનિ પ્રદૂષણ સાંભળવા પડે જે એની ઇચ્છાથી વિપરીત હોય? કાયદા મુજબ પણ ધ્વનિ પ્રદૂષણના કાયદાની જોગવાઇઓનો ભંગ કરતા હોય તેના પર પ્રતિબંધ ફરમાવવો જોઇએ. કેમ કે, એ વ્યક્તિને બંધારણે આપેલા મૂળભૂત હકોનું પણ હનન કરે છે.

હાઇકોર્ટે રાજ્ય સરકારને નોટિસ પાઠવીને કેસની સુનાવણી ૧૦મી માર્ચે મુકરર કરી છે. સાથે જ એવો પ્રશ્ન કર્યો હતો કે,‘અન્ય પ્રકારે પણ જે ધ્વનિ પ્રદૂષણ થાય છે એનું શું? લગ્નો વગેરેમાં ધ્વનિ પ્રદૂષણનું શું?’એડવોકેટ દ્વારા જવાબ આપવામાં આવ્યો હતો કે,‘લગ્નોમાં સીમિત સમય માટે અને જીવનમાં એક વાર લગ્ન થાય ત્યારે બેન્ડવાજા વાગે છે, પરંતુ મસ્જિદોમાં પાંચ વખત અજાન પોકારવામાં આવે છે અને રોજ પાંચ વાર લાઉડસ્પીકર્સ મોટેથી વાગતાં ધ્વનિ પ્રદૂષણના નિયમોનો ભંગ થાય છે અને જેઓ ઇસ્લામમાં માનતાં નથી તેઓ શા માટે ધ્વનિ પ્રદૂષણ કરતો આવો અવાજ સાંભળે ?