જર્મનીમાં ફ્રેન્ક ફર્ટથી સ્પેનનાં સેવિલે જતી લુફ્થાન્સાની ફલાઈટ 10 મિનિટ સુધી પાયલોટ વિના જ ઊડતી રહી હોવાની ઘટના ગત સપ્તાહે બની હતી. આ ન માની શકાય તેવી ઘટનાની વિગત તે છે કે તા. 17મીના દિવસે લુફ્થાન્સાનું વિમાન એર-બસ, 199 યાત્રીઓ અને 6 ક્રૂ મેમ્બર્સ સાથે સ્પેનનાં સેવિલે જઈ રહ્યું હતું ત્યારે મુખ્ય પાયલોટ કેબિન પાછળની રેસ્ટ કેબિનમાં આરામ લઈ રહ્યો હતો ત્યારે કો-પાયલોટ વિમાન ચલાવતો હતો ત્યાં અચાનક તે બેભાન થઈ ગયો.
કમાન્ડર પાયલોટ રેસ્ટ કેબિનમાં હતો. આ પરિસ્થિતિ કોકપિટ રેકર્ડરે અસામાન્ય અવાજ નોંધતાં તત્કાલ તબીબી સહાયની બઝર વગાડી તેથી કમાન્ડર પાયલોટ જાગી ગયો અને પાયલોટ કેબિનનું દ્વાર ખોલી અંદર જવા પ્રયત્ન કર્યો પરંતુ તે ડોર પાંચ પ્રયત્નો છતાં ખુલ્યો નહીં.
એક ફલાઈટ એટેન્ડન્ટે પણ પ્રયત્ન કર્યો પરંતુ નિષ્ફળ રહ્યો. નિયમ એવો છે કે પાયલોટ મંજૂરી આપતું બટન દબાવે તો જ પાયલોટ કેબિનનું દ્વાર ખુલી શકે. આથી ઇન્ટરકોમ દ્વારા કો-પાયલોટનો સંપર્સ સાધવા પ્રયત્ન કરાયો પરંતુ તે તો બેભાન હતો. જવાબ કોણ આપે ? છેવટે કમાન્ડર પાયલોટે અંદરથી મંજૂરી ન મળે છતાં કોકપીટ ડોર ઉઘાડી શકાય તેવા ઓવર-રાઈટ-કોડનો ઉપયોગ કરતો હતો ત્યારે કો-પાયલટે મહાપ્રયત્ને ઊભા થઈ ડોર અંદરથી ઉઘાડયો પછી તે પેલાની સીટ પર બેસી પડયો. કમાન્ડર પાયલોટે તુર્તજ કંટ્રોલ હાથમાં લીધો વિમાનને માડ્રિડનાં એરપોર્ટ પર ઉતારવામાં આવ્યું પેલા કો-પાયલોટને તુર્ત જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો થોડા વિરામ પછી વિમાન દક્ષિણ સ્પેનનાં સેવિલે પહોંચ્યું હતું.
