. (ANI Photo/IPL Twitter)

આઈપીએલ 2022નો લીગ સ્ટેજ હવે અંતિમ તબક્કા તરફ આગળ ધપી રહ્યો છે ત્યારે પણ પોઈન્ટ્સ ટેબલ અને પ્લે ઓફ્સમાં પહોંચવાની શક્યતાઓમાં કોઈ મોટો અપસેટ થવાની સંભાવના ખાસ જણાતી નથી. લીગમાં આ વર્ષે નવી જ પ્રવેશેલી બે ટીમો – ગુજરાત ટાઈટન્સ અને લખનૌ સુપર જાયન્ટસ ટોપ પોઝિશનમાં છે, તો મુંબઈ ઈન્ડિયન્સ હજી પણ સાવ તળિયે જ છે અને હવે તેની પોઝિશનમાં કોઈ મોટો ફરક પડે તેવું લાગતું નથી. ચેન્નઈ તળિયેથી બીજા ક્રમે હતી તે થોડા સુધારા સાથે તળિયેથી ત્રીજા ક્રમે પહોંચી છે પણ પ્લે ઓફ્સમાં પહોંચવાનું તો હવે તેના માટે ય લગભગ અસંભવ જ છે. ટોપની બે ઉપરાંત બીજી 3-4 ટીમ માટે હવે પ્લે ઓફના બાકીના બે સ્થાન માટે રસાકસીનો જંગ જામશે તેવું લાગે છે. એમાં પણ એક સ્થાન માટે તો રાજસ્થાન રોયલ્સ મજબૂત દાવેદાર જણાય છે.

સોમવારે (9 મે) રમાયેલી મેચમાં મુંબઈનો બોલર જસપ્રીત બુમરાહ લાંબા સમય પછી ફોર્મમાં આવ્યો હોય તેમ એણે ચાર ઓવર્સમાંથી એક મેઈડન સાથે ફક્ત 10 રન આપી પાંચ વિકેટ ઝડપી હતી અને પોતાનું આઈપીએલનું શ્રેષ્ઠ પરફોર્મન્સ આપ્યું હતું. છતાં મુંબઈની ટીમ એનો ફાયદો લઈ શકી નહોતી અને 166 રનના ટાર્ગેટ સામે તે 17.3 ઓવર્સમાં ફક્ત 113 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને કોલકાતાનો 52 રને વિજય થયો હતો. આ વિજય સાથે કોલકાતા માટે હજી પ્લે ઓફ્સમાં પહોંચવાની આશા જીવંત રહી છે. મુંબઈની ટીમ પરાજિત હોવા છતાં બુમરાહને પ્લેયર ઓફ ધી મેચ જાહેર કરાયો હતો.

કોલકાતા તરફથી વેંકટેશ ઐયર અને નિતિશ રાણાએ 43-43 રન કર્યા હતા, તો તેના ત્રણ બેટ્સમેન શૂન્યમાં પણ આઉટ થયા હતા. બુમરાહના તરખાટના પગલે છેલ્લી છ ઓવરમાં કોલકાતાએ છ વિકેટ ગુમાવી હતી અને તે માંડ 40 જેટલા રન કરી શકી હતી. એકંદરે તેનો સ્કોર 9 વિકેટે 165 રનનો રહ્યો હતો. પોલાર્ડની બે ઓવર મુંબઈને બહુ મોંઘી પડી હતી, તેણે 26 રન આપ્યા હતા.

જવાબમાં મુંબઈની પણ શરૂઆત જ નબળી રહી હતી અને એ પછી તે ખરેખર કોલકાતા માટે પડકારરૂપ સ્થિતિમાં ક્યારેય આવી જ નહોતી. ઓપનર ઈશાન કિશનના 51 રન સિવાય મુંબઈનો કોઈ બેટ્સમેન 20 રનને આંકડે પણ પહોંચી શક્યો નહોતો, તેનો બીજો શ્રેષ્ઠ સ્કોર પોલાર્ડનો 15 રનનો હતો. પેટ કમિન્સે 22 રનમાં ત્રણ અને રસેલે એટલા જ રનમાં બે વિકેટ ખેરવી હતી.

સૌથી વધુ 9 પરાજયની મુંબઈની નાલેશીઃ આઈપીએલની સૌથી સફળ ટીમ મુંબઈ ઈન્ડિયન્સ હવે લીગની સૌથી વધુ પરાજિત ટીમ પણ બની ગઈ છે. આ વર્ષે પ્લે ઓફસમાંથી બહાર થનારી પહેલી ટીમ, મુંબઈ ઈન્ડિયન્સે સોમવારના પરાજય પછી કોઈ એક સીઝનમાં 9 પરાજયની નામોશીનો રેકોર્ડ પણ કર્યો હતો. અત્યારસુધીની 11 મેચમાંથી તે ફક્ત બેમાં જ વિજય નોંધાવી શકી છે. પાંચ વખત ચેમ્પિયન રહેલી મુંબઈની ટીમ જો કે, અગાઉ ત્રણ સીઝનમાં – 2009, 2014 અને 2018માં 8 – 8 મેચમાં પરાજયનો રેકોર્ડ તો ધરાવે છે જ. તે ઉપરાંત બે સીઝનમાં તે 7-7 મેચમાં પરાજિત રહી છે.