લંડનમાં યુકેના ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રધાન લોર્ડ ગેરી ગ્રિમસ્ટને ઇનસિન્ક બાઇક્સના બિઝનેસ હેડ ગોપાલ ક્રિષ્નને ટ્રેકર એવોર્ડ એનાયત કર્યો હતો.

માન્ચેસ્ટરમાં હેડક્વાર્ટર ધરાવતી ઇનસિન્ક બાઇક્સે યુકેમાં સૌથી વધુ ઝડપી વિકસતી ભારતીય માલિકીની ટોપ 10 કંપનીઓમાં સ્થાન હાંસલ કર્યું છે. કંપનીએ ગયા વર્ષે 43 ટકા વૃદ્ધિ સાથે આ સિદ્ધી હાંસલ કરી છે. ભારત સ્થિત વિશ્વની સૌથી મોટી સાઇકલ ઉત્પાદક કંપની હીરો સાઇકલ ઇનસિન્ક બાઇક્સની માલિક છે.

ભારતીય ઉદ્યોગ મહામંડળ (સીઆઇઆઇ)ના સહયોગમાં ગ્રાન્ટ થોર્નટનના વાર્ષિક ‘ઇન્ડિયા મીટ્સ બ્રિટન ટ્રેકર’ રિપોર્ટમાં સ્થાન મેળવ્યા પછી ઇનસિન્ક બાઇક્સને લંડનમાં યુકેના ડિપાર્ટમેન્ટ ફોર ઇન્ટરનેશનલ ટ્રેડમાં ઇન્વેસ્ટમેન્ટ પ્રધાન લોર્ડ ગેરી ગ્રિમસ્ટને ઇનસિન્ક બાઇક્સના બિઝનેસ હેડ ગોપાલ ક્રિષ્નને ટ્રેકર એવોર્ડ એનાયત કર્યો હતો.

ટ્રેકર રીપોર્ટ યુકેમાં 5 મિલિયન પાઉન્ડથી વધુનું ટર્નઓવર, વાર્ષિક ધોરણે ઓછામાં ઓછી 10 ટકા વૃદ્ધિ અને લઘુતમ બે વર્ષનો ટ્રેક રેકોર્ડ ધરાવતી ભારતીય માલિકીની કંપનીઓને ટ્રેક કરે છે. ભારતીય માલિકીની 37 કંપનીઓ માપદંડમાં ખરી ઉતરી હતી, જેમાંથી ઇનસિન્ક બાઇક્સ બ્રિટનમાં સૌથી વધુ ઝડપથી વિકસતિ સાતમા ક્રમની કંપની બની હતી.

ઇનસિન્ક બાઇક્સના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર રમણ અવસ્થીએ જણાવ્યું હતું કે ઇનસિન્કે નવેમ્બર 2020માં પૂરા થતાં વર્ષમાં રિટેલ સેગમેન્ટમાં 50,000થી વધુ બાઇક્સનું વેચાણ કર્યું છે, જે ગયા વર્ષની તુલનાએ 200 ટકાનો વધારો દર્શાવે છે. કંપનીએ 2021માં 186,000 બાઇક્સનું વેચાણ કર્યું હતું. 2020ના કોરોના લોકડાઉનમાં સાઇક્લિંગમાં આશરે 300 ટકાનો વધારો થયો હતો. સાઇક્લિંગ એન્ડ વોકિંગ સ્ટ્રેટેજીમાં 2 બિલિયન પાઉન્ડના રોકાણની વડાપ્રધાન બોરિસ જોન્સની જાહેરાતથી સાઇક્લિંગને પ્રોત્સાહન મળ્યું હતું. આ સ્ટ્રેટેજીની જાહેરાત કરતી વખતે જોન્સને ઇનસિન્કની વાઇકિંગ બાઇક્સ પર સવારી કરી હતી. તેમણે જણાવ્યું હતું કે આ પ્રતિષ્ઠિત એવોર્ડથી અમારું સન્માન થયું છે. હીરો સાઇકલ યુકેમાં રોકાણ માટે પ્રતિબદ્ધ છે.