FILE PHOTO: A bird flies across central Mumbai's financial district skyline, India, June 18, 2019. REUTERS/Francis Mascarenhas/File Photo

કોરાનાએ રૌદ્વ સ્વરૂપ ધારણ કર્યું હોવાથી ભારતના સૌથી સમૃદ્ર રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના વાઈરસની ચેઈન તોડવા 15 દિવસના આંશિક લોકડાઉનની મંગળવારે જાહેરાત કરવામાં આવી હતી. સરકારે આકરા પ્રતિબંધો સાથે ૧૪૪ની કલમ લાગુ કરી છે. ૧૪ એપ્રિલ બુધવારના રાત્રે ૮ વાગ્યાથી આગામી ૧૫ દિવસ સુધી કરફયુ લાગુ કરવાની જાહેરાત રાજ્યના મુખ્યપ્રધાન ઉધ્ધવ ઠાકરેએ કરી હતી. જોકે આ કરફયુના સમયમાં આર્થિક રીતે નબળા વર્ગને મુશ્કેલી વેઠવી ન પડે તે માટે રાહત આપવા એક આર્થિક પેકેજ પણ જાહેર કરાયું હતું.

મહારાષ્ટ્રમાં લોકોમાં કોઈપણ પ્રકારની ગભરાટની સ્થિતિ ન સર્જાય તે માટે ‘લોકડાઉન’ શબ્દ સીધો ઉપયોગ ટાળ્યો હતો. હકીકતમાં રાજ્યમાં કોરોનાની સ્થિતિ નિયંત્રણ બહાર છે. મંગળવારે મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના નવા 60,212 કેસ નોંધાયા હતા. દેશમાં કુલ 13.5 મિલિયન કેસમાંથી ચોથા ભાગના કેસ એકલા મહારાષ્ટ્રમાં છે.
આગામી 15 દિવસ માટે સંપૂર્ણ કરફયુ રહેશે. માત્ર આવશ્યક સેવા સુવિધા શરૂ રહેશે. બાકીની તમામ સેવા અટકાવવામાં આવી છે. બિનજરૂરી રીતે અવરજવર પર પ્રતિબંધ રહેશે. જોકે લોકલ ટ્રેન અને બસ સેવા ચાલુ રહેશે. ઓટો-ટેક્સી સેવા ચાલુ રહેશે. બેન્કને લગતા કામકાજ ચાલુ રહેશે. આ આંશિક લોકડાઉનમાં મોલ્સ, દુકાનો, હોટેલો, બાર, વાઈન શોપ, બાગ-બગીચા, થિએટર, નાટયગૃહ, ગરદીના સ્થળો, ધાર્મિક – પ્રવાસન સ્થળ, સામાજિક – રાજકીય કાર્યક્રમ, સલૂન, બ્યુટી પાર્લર, શૈક્ષણિક સંસ્થા, કલાસીસ વગેરે બંધ રહેશે.

લોકલ ટ્રેનમાં માત્ર અત્યાવશ્યક સેવા આપતાં લોકોને પ્રવાસની પરવાનગી રહેશે. બસ પણ અત્યાવશ્યક પૂરતી રહેશે રીક્ષામાં ડ્રાઈવર તથા બે પ્રવાસી અને ટેક્સીમાં ડ્રાઈવર સહિત બે પ્રવાસી મુસાફરી કરી શકશે.
આ આંશિક લોકડાઉન દરમિયાન જીવનાશ્યક વસ્તુની દુકાન, ગેરેજ, પેટ્રોલપંપ, કાર્ગો સેવા, ઇ-કોમર્સની સપ્લાય, ઓટોપાર્ટસની દુકાન, દવાની દુકાનો, લોકલ અને પરિવહન સેવા, રિક્ષા-ટેક્સી ડ્રાઈવર સહિત બે પ્રવાસની મુસાફરી વગેરે સેવા ચાલુ રહેશે.

આ ઉપરાંત શાકભાજી માર્કેટ, બેંકો, ઈન્સ્યુરન્સ સેવા, કોરોનાની રસી સેવા તેમ જ તપાસ કેન્દ્ર, ઓપ્ટીકલ્સ દુકાન, હોટેલ-રેસ્ટોરન્ટ અને બારથી ખાદ્ય પદાર્થના પાર્સલ, વૈદ્યકીય સેવા, મેડિકલ સ્ટોર્સ, અખબાર, મિડિયા સંદર્ભની સેવા, વેનેટરી સર્વિસ- પેટ ફૂડની દુકાન ચાલુ રહેશે.

રાજ્ય સરકારે આર્થિક પેકેજના ભાગરૂપે અનાજ તેમ જ આર્થિક સહાય કરવાનો નિર્ણય લીધો છે. રાજ્યના ૧૨ લાખ શ્રમિકોને ૧૫૦૦ રૂપિયાની આર્થિક મદદ, રિક્ષાચાલકોને પણ ૧,૫૦૦ રૂપિયા મદદ મળશે, ઘરકામ કરનારાને ૧,૫૦૦ રૂપિયાની મદદ કરવામાં આવશે. આ ઉપરાંત આદિવાસીઓને ૨૦૦૦ રૂપિયાની આર્થિક મદદ કરવામાં આવશે. રાજ્યમાં ગરીબોને અન્ન સુરક્ષા યોજના હેઠળ વ્યક્તિદીઠ ૩ કિલો ઘઉં અને બે કિલો ચોખા મફત એક મહિનો આપવામાં આવશે. આ સિવાય શિવભોજનની થાળી મફતમાં આપશે.