એક તરફ દેશમાં કોરોનાને લઈ ભારે સંકટ વ્યાપેલું છે ત્યારે એક પછી એક દુર્ઘટનાને લઈ હાહાકાર મચી જવા પામ્યો છે. મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં ભારે મોટી ટ્રેન દુર્ઘટના સામે આવી છે. ઘટનાની વિગતો પ્રમાણે રેલવે ટ્રેક પર સૂઈ રહેલા અનેક લોકો પર માલગાડી ફરી વળી હતી અને 15 મજૂરોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો.

ઔરંગાબાદ-નાંદેડ રૂટ પર ઘટેલી આ દુર્ઘટનામાં ટ્રેક પર સૂઈ રહેલા પ્રવાસી મજૂરો ટ્રેન નીચે કચડાઈ ગયા હતા અને તેમનો ભોગ લેવાયો હતો. દક્ષિણ મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ ઘટનાની વિગતો આપતા જણાવ્યું કે, આ ટ્રેન જલનાથી ઔરંગાબાદ વચ્ચે ચાલતી હતી અને ઔરંગાબાદમાં કરમાડ પાસે આ બનાવ બન્યો હતો.

ઘટનાની જાણ થતા જ રેલવે પોલીસ દળ અને સ્થાનિક પોલીસે ત્યાં પહોંચીને તપાસ હાથ ધરી હતી અને આ મામલે વિસ્તૃત જાણકારીની પ્રતિક્ષા કરવામાં આવી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઔરંગાબાદમાં બનેલી રેલ દુર્ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું. ટ્વિટરના માધ્યમથી તેમણે રેલવે મંત્રી પિયૂષ ગોયલ સમગ્ર સ્થિતિ પર ધ્યાન આપી રહ્યા છે અને તમામ સંભવિત મદદ પૂરી પાડવામાં આવશે તેવી માહિતી આપી હતી.