કોરોનાના કારણે સમગ્ર વિશ્વમાં લોકડાઉનની સ્થિતિ વ્યાપેલી છે જેથી લોકોને તેઓ જ્યાં છે ત્યાં જ રોકાઈ રહેવા ફરજ પડી છે. જો કે, લોકડાઉનના કારણે સમગ્ર વિશ્વમાં ફસાયેલા ભારતીયોની વતનવાપસી શરૂ થઈ ગઈ છે અને ગુરૂવારે બે ઈન્ટરનેશનલ ફ્લાઈટ દ્વારા ભારતના 363 પ્રવાસી નાગરિકો કેરળ પહોંચ્યા હતા.

ભારત સરકાર ‘વંદે ભારત મિશન’ અંતર્ગત ભારતીય લોકોને સ્વદેશ લાવવાનું કામ કરી રહી છે તથા દુબઈથી આવેલી એર ઈન્ડિયાની એક ફ્લાઈટ કોઝિકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર અને બીજી ફ્લાઈટ કોચી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી.

દુબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટથી આવેલી એર ઈન્ડિયા એક્સપ્રેસની ફ્લાઈટ રાતે 10:45 કલાકે કોઝિકોડ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી તથા તેમાં 177 ભારતીય નાગરિકો અને પાંચ નવજાત સવાર હતા. એરપોર્ટ પર ઉતાર્યા બાદ તે તમામ લોકોનું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું અને તેમને બધાને 14 દિવસ માટે ક્વોરેન્ટિનમાં રહેવુ પડશે. ભારત સરકાર હાલ અન્ય દેશોમાં ફસાયેલા ભારતીયોને પાછા લાવવા માટે પણ આ પ્રકારની ફ્લાઈટ્સની વ્યવસ્થા કરી રહી છે.

તેના પહેલા વંદે ભારત મિશન અંતર્ગત એર ઈન્ડિયાની પહેલી ફ્લાઈટ અબૂધાબી ઈન્ટરનેશનલ એરપોર્ટથી રાતે 10:09 કલાકે કોચી એરપોર્ટ પહોંચી હતી જેમાં 177 મુસાફર અને ચાર નવજાત સહિત કુલ 181 ભારતીય નાગરિકો સવાર હતા. તે પૈકીના પાંચ લોકોમાં કોરોનાના લક્ષણો જોવા મળ્યા છે જેથી તેમને જિલ્લા હોસ્પિટલ અલુવાના આઈસોલેશન વોર્ડમાં રાખવામાં આવ્યા છે. તે સિવાય શારીરિક સમસ્યા ધરાવતા એક મુસાફરને એર્નાકુલ જિલ્લા પ્રશાસન તરફથી શોર્ટ-સ્ટે ક્વોરેન્ટિન હોમમાં રાખવામાં આવ્યો છે.

કેરળ સરકારના એક અધિકારીના કહેવા પ્રમાણે સ્વદેશ પરત લવાયેલા નાગરિકોને તેમના સંબંધિત જિલ્લા પ્રશાસન દ્વારા તૈયાર કરવામાં આવેલા ક્વોરેન્ટિન સેન્ટર્સમાં રાખવામાં આવશે અને ક્વોરેન્ટિનનો સમય પૂર્ણ થયા બાદ તેઓ પોતાના ઘરે જઈ શકશે. હજુ અન્ય દેશોમાં રહેલા ભારતીય નાગરિકોને પણ પાછા લાવ્યા બાદ સંબંધિત રાજ્ય અને જિલ્લાઓમાં ક્વોરેન્ટિન કરવામાં આવશે.

આગામી સપ્તાહ દરમિયાન 64 વિશેષ ફ્લાઈટ દ્વારા વિશ્વના વિભિન્ન દેશોમાં રહેલા 14,800 ભારતીયોને પાછા લાવવામાં આવશે. તેમાંથી 1,900 લોકો ફક્ત મુંબઈ શહેરમાં જ ઉતરશે તેવું જાણવા મળ્યું છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે વિદેશથી આવનારાઓને સ્પષ્ટ શબ્દોમાં 14 દિવસ ક્વોરેન્ટિનમાં રહેવા જણાવેલું છે તથા તેઓને પ્રાઈવેટ હોટેલ્સ અને ભાડાના રૂમોમાં રહેવાની છૂટ આપવામાં આવી છે.