ભારતમાંથી ફરાર થયેલા લિકર કિંગ વિજય માલ્યાએ યુકેમાં રહેવા માટે એક નવો વિકલ્પ અજમાવ્યો છે. તેણે આ માટે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને અરજ કરી છે. લંડનની હાઇ કોર્ટમાં ચાલતા કેસ બાબતે વિજય માલ્યાના વકીલે શુક્રવારે કોર્ટમાં આ અંગે માહિતી આપી છે. યુકેની સુપ્રીમ કોર્ટે માલ્યાનું પ્રત્યાર્પણ ભારત સરકારને કરવા વિરુદ્ધ કરાયેલી અરજી ગત વર્ષે ઓક્ટોબરમાં ફગાવી હતી. જોકે, જ્યાં સુધી પ્રીતિ પટેલ તેને ભારતમાં પ્રત્યાર્પણ કરવાના આદેશ પર સહિ ન કરે ત્યાં સુધી તે જામીન પર છે.
માલ્યા પર હવે બંધ થયેલી તેની કંપની કિંગફિશર એરલાઇન્સ બાબતે છેતરપિંડી અને મની લોન્ડરીંગનો આરોપ છે.
હોમ મિનિસ્ટ્રીએ આ મામલે ફક્ત એટલી જ બાબતની પુષ્ટી કરી છે કે, પ્રત્યાર્પણના આદેશ પર અમલ કરતા પહેલા ગુપ્ત કાયદાકીય પ્રક્રિયા થઇ રહી છે. આથી હવે એવી અટકળો છે કે માલ્યાએ યુકેમાં આશ્રય માગ્યો હતો, જે માહિતીની હોમ મિનિસ્ટ્રીએ પુષ્ટી પણ કરી નથી અને તે બાબતે ઇન્કાર પણ કર્યો નથી.
માલ્યાના વકીલ ફિલિપ માર્શલે કોર્ટમાં જણાવ્યું હતું કે, પ્રત્યાર્પણની પ્રક્રિયા યથાવત છે, પરંતુ તેઓ એટલા માટે અહીં છે કે, તેમણે અહીં રહેવા માટે એક વિકલ્પ રૂપે હોમ સેક્રેટરી પ્રીતિ પટેલને અરજ કરી છે.