ભારતીય બેંકોના હજારો કરોડ રૂપિયાની છેતરપિંડીના આરોપનો સામનો કરતા અને યુનાઇટેડ કિંગડમ ભાગી આવેલા ભાગેડુ ઉદ્યોગપતિ વિજય માલ્યા ભારતમાં પ્રત્યાર્પણ ટાળવાનો પ્રયાસ કરી રહ્યા છે ત્યારે યુકે સરકારે ગુરૂવાર તા. 4 ના રોજ જણાવ્યું હતું કે કેટલાક કાયદાકીય મુદ્દાઓનો હલ ન આવે ત્યાં સુધી વિજય માલ્યાની કોઈપણ સમયે હકાલપટ્ટી કરવામાં આવશે નહીં.

યુકેના હાઈ કમિશનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, ‘’વિજય માલ્યાના પ્રત્યાર્પણની વ્યવસ્થા કરવામાં આવે તે પહેલાં ગોપનીય કાનૂની મુદ્દાને હલ કરવાની જરૂર છે.’’

કિંગફિશર એરલાઇન્સની સ્થાપના કરનાર માલ્યા માર્ચ 2016માં 9,000 કરોડ રૂપિયાથી વધુ રકમની નાણાકીય ગેરરીતિના આરોપોનો સામનો કર્યા બાદ બ્રિટન ભાગી ગયો હતો. માલ્યાએ સતત દાવા કર્યા છે કે તેના પર જે આરોપો આવે છે તે પાયાવિહોણા અને બનાવટી છે અને કેન્દ્ર સરકારે તેમની લોન ક્લીયર કરવાની ઑફર સ્વીકારવાનો પણ ઇનકાર કર્યો હતો.

આઈડીબીઆઈ બેંક દ્વારા કિંગ ફિશર એરલાઇન્સને આપવામાં આવેલી 900 કરોડ રૂપિયાની લોન સંદર્ભે જુલાઈ 2015માં સીબીઆઈ દ્વારા દાખલ કરવામાં આવેલી ફરિયાદના આધારે માલ્યાનુ ’ભારતમાં પ્રત્યાર્પણ કરવા માટે યુકે કોર્ટમાં અરજી દાખલ કરાઇ છે.

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે માલ્યા પર બંને કેસોમાં આરોપ લગાવ્યો છે, અને આક્ષેપ કર્યો છે કે તેણે મોટાભાગના નાણાં વિદેશી સંપત્તિમાં ફેરવી દીધા છે, જે ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ)ની ટીમ અને એફ 1  મોટરસ્પોર્ટ કંપની ફર્મ્યુલા વન છે. માલ્યાની 13,000 કરોડની સંપત્તિ એન્ફોર્સમેન્ટ ડાયરેક્ટોરેટ દ્વારા એટેચ્ડ કરી દેવામાં આવી છે.