ગુજરાતમાં 19 જુને યોજાનાર રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણી અગાઉ ગુરુવારે કોંગ્રેસના વધુ બે ધારાસભ્યોએ રાજીનામાં આપતા પક્ષમાં રાજકીય ભૂકંપ આવ્યો છે. વલસાડ જિલ્લાના કપરાડાના જીતુ ચૌધરી અને વડોદરા જિલ્લાના કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે પોતાનું રાજીનામું વિધાનસભાના અધ્યક્ષને આપતા કોંગ્રેસમાં ખળભળાટ મચ્યો છે. આ બંને બુધવારે બપોર પછી વિધાનસભા સ્પીકર રાજેન્દ્ર ત્રિવેદીને રૂબરૂ મળીને ધારાસભ્યપદે રાજીનામું આપ્યું હતું, જેની જાહેરાત આજે થઇ છે. આજે બપોરે ચૂંટણીની રણનીતિ ઘડવા કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક મળે તે અગાઉ જ બે ધારાસભ્યોના રાજીનામાથી કોંગ્રેસમાં સોંપો પડી ગયો છે. આ બે રાજીનામાની સીધી અસર રાજ્યસભાની ચૂંટણી પર પડશે અને તેથી ભાજપના તમામ ઉમેદવારો-અભય ભારદ્વાજ, રમીલાબેન બારા અને નરહરી અમીનનો વિજય નિશ્ચિત જણાય છે. જ્યારે કોંગ્રેસમાં શકિતસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીમાંથી કોઇ એક જ ઉમેદવાર જીતે તેવું સ્પષ્ટ થઇ રહ્યું છે. માર્ચ મહિનામાં રાજ્યસભાની ચૂંટણી જાહેર થઇ ત્યારે કોંગ્રેસના પાંચ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા, જોકે, તે વખતે કોરોનાના કારણે ચૂંટણી મોકૂફ રહી હતી. હવે ફરી ચૂંટણી જાહેર થતાં ભાજપે નવેસરથી જીતવાની ફરીથી વ્યૂહરચના ગોઠવી છે. રાજીનામુ આપનાર બંને ધારાસભ્યો ભાજપમાં જોડાશે. વર્ષ 2017માં યોજાયેલી વિધાનસભાની ચૂંટણી પછી અત્યાર સુધીમાં કોંગ્રેસના ૧૪ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે. આ બે રાજીનામાથી વિધાનસભાની કુલ સાત બેઠકો ખાલી પડી છે અને હવે તેના પર પેટાચૂંટણી યોજાશે. કોંગ્રેસના હજુ પણ એક-બે ધારાસભ્યો રાજીનામા આપે તેવી સંભાવના છે. કોંગ્રેસે આ રાજીનામા બાદ ભાજપ પર લોકશાહી વિરુદ્ધ પક્ષ તોડવાના આકરા પ્રહાર કર્યા છે.