સૌરાષ્ટ્રના અનેક સ્થળે ગુરુવારે સતત ત્રીજા દિવસે વરસાદ પડ્યો હતો. સવારે અસહ્ય ગરમી બાદ બપોરે વાતાવરણ પલટાયું હતું. રાજકોટમાં વીજળીના ચમકારા સાથે વરસાદ પડતા લોકોમાં ખુશી વ્યાપી હતી. જસદણ અને શાપર-વેરાવળમાં પણ પવન સાથે ધોધમાર વરસાદ પડતા માર્ગ પર પાણી ભરાયા હતા. જ્યારે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના મોટા આગરીયા, નવા આગરીયા સહિતના ગામોમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. ખાંભા પંથકમાં અડધા કલાકમાં બે ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો. કચ્છમાં પણ સામખિયાળી પાસે પણ વરસાદ પડ્યો હતો.
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. ગોંડલની આસપાસના ગામોમાં ભારે વરસાદને કારણે ઠેરઠેર પાણી ભરાયા હતા. ગોંડલના બસ સ્ટેન્ડમાં વૃક્ષ પડવાથી ત્રણ બાઇકને નુકસાન થયું હતું. ભારે પવનની સાથે વરસાદને કારણે ગોંડલમાં હોર્ડિંગ અને વીઝળીના થાંભલા પડી ગયા હતા. વીરપુર (જલારામ) ખાતે પણ ભારે પવનને કારણે દુકાનોના છાપરા ઉડ્યા હતા અને વીજળી પણ જવાની ઘટના બની હતી.
ભાવનગર જિલ્લાના મહુવા, તળાજા, બગદાણા અને ઘોઘા તાલુકામાં વરસાદી વાતાવરણ સર્જાયું હતું અને ખેતરોમાં પણ પાણી ભરાયા હતા. સામાન્ય રીતે ખેડૂતો ભીમ અગિયારસના દિવસોમાં વાવણી માટે વરસાદની રાહ જોવે છે.
જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં સતત ત્રીજા દિવસે વરસાદ પડતા ખેડૂતોમાં ખુશી વ્યાપી હતી.હતો.