મનોજ બાજપાઇ
50 વર્ષીય મનોજ બાજપાઇ (50) આજે ભારતીય સિનેમામાં તેમના શક્તિશાળી અભિનય માટે જાણીતા છે. નેટફિલક્સ પર રજુ થયેલી ફિલ્મ ‘ઇન્સપેક્ટર ઝેન્ડે’ને કારણે તેઓ અત્યારે ચર્ચામાં છે. મનોજે અહીં સુધી પહોંચવા માટે અનેક સમસ્યાઓનો સામનો કર્યો છે. અહીં તેમની સંઘર્ષ ગાથા રજૂ કરવામાં આવી છે.
મનોજ બાજપાઈનો જન્મ બિહારના ચંપારણ જિલ્લાના બેલવા ગામમાં થયો હતો. મનોજના પિતા ખેડૂત હતા. છ ભાઈ-બહેનોમાં સૌથી મોટા હોવાથી મનોજ હંમેશા પરિવારની જવાબદારી સંભાળતા હતા. મનોજને બાળપણથી જ અભિનયનો શોખ હતો. પડોશીઓ પણ ઘણીવાર મનોજના આ શોખની મજાક ઉડાવતા હતા. 17 વર્ષની ઉંમરે મનોજે 50 રૂપિયા ઉપાર લઈને દિલ્હી પહોંચી ગયા. અહીં તેમણે નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા (NSD)માં પ્રવેશ માટે ત્રણ વાર પ્રયાસ કર્યો હતો. પરંતુ દરેક વખતે તેમને ઇન્કાર કરવામાં આવ્યો હતો. તેથી તેઓ ડીપ્રેશનમાં સરી પડ્યા અને આત્મહત્યા કરવાનો વિચાર કર્યો હતો. પછી તેઓ દિલ્હીથી મુંબઈ ગયા હતા. અહીં તે પાંચ મિત્રો સાથે એક નાની ઓરડીમાં રહેતા હતા. આર્થિક તંગી એટલી બધી હતી કે ઘણીવાર ભૂખ્યા સૂઈ જવું જવું પડતું. પોતાની ભૂખ સંતોષવા ઘણીવાર ફિલ્મના સેટ પર છુપાઈને બચેલો ખોરાક ખાધો હતો. ઘણીવાર ઓડિશન દરમિયાન પણ મનોજને સેટ પરથી હાંકી કાઢવામાં આવ્યા હતા. જોકે, 1994માં ‘બેન્ડિટ કવીન’ જેવી ફિલ્મોમાં નાની ભૂમિકા ભજવીને ફિલ્મી કારિકર્દીની શરૂઆત કરી હતી. પરંતુ ઘણીવાર કામ માટે લાંબી રાહ જોવી પડતી હતી. 1995માં આવેલી ફિલ્મ ‘સત્યા’માં ગેન્ગસ્ટરના પાત્રએ મનોજને નવી ઓળખ અપાવી. આ ભૂમિકા માટે તેમને સપોર્ટિંગ એક્ટરનો નેશનલ એવોર્ડ અને ફિલ્મફેર ક્રિટિક્સ એવોર્ડ મળ્યો હતો.
મનોજે શૂલ, ગેન્સ ઓફ વાસેપુર, અલીગઢ અને ધ ફેમિલી મેન જેવી ફિલ્મો અને વેબ સિરીઝમાં અભિનયના ઓજસ પાથરીને દર્શકોનું દિલ જીત્યુ છે. મનોજને ચાર  નેશનલ ફિલ્મ એવોર્ડ અને ચાર ફિલ્મફેર એવોર્ડ પ્રાપ્ત થયા છે. 2019માં ભારત સરકાર દ્વારા પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. મીડિયા રીપોર્ટ્સ મુજબ મનોજ બાજપાઇનો સમાવેશ ભારતમાં ઓટીટી-ડિજિટલ પ્લેટફોર્મના મોંઘેરા અભિનેતામાં સમાવેશ થાય છે. તેમની કુલ નેટવર્થ રૂ. 170 કરોડની હોવાનું માનવામાં આવે છે.

LEAVE A REPLY