બધા હોસ્પિટલ સ્ટાફ, મુલાકાતીઓ અને બહારના દર્દીઓ માટે 15 જૂનથી ફેસ માસ્ક ફરજીયાત બનાવાશે અને પબ્લિક ટ્રાન્સપોર્ટમાં ફરનાર તમામ લોકો માટે ફેસ માસ્ક પહેરવાનુ તાત્કાલિક ધોરણે ફરજીયાત બનાવવામાં આવ્યું છે. તબીબી અને બિન-તબીબી સ્ટાફે પણ સર્જિકલ માસ્ક હંમેશા પહેરવા પડશે. જ્યારે હોસ્પિટલના વિઝીટર અને બહારના દર્દીઓએ ઘરેલું માસ્ક પહેરવાના રહેશે કે ચહેરો ઢાંકવાનો રહેશે એવી મેટ હેનકોકે જાહેરાત કરી હતી. તેમણે ચેપનો ભોગ બનેલા લોકોને બ્લડ પ્લાઝમા આપી સારવાર લઇ રહેલા લોકોના જીવન બચાવવા અપીલ કરી હતી. આઉટપેશન્ટ્સે જો માસ્ક પહેર્યો નહિ હોય કે ચહેરો ઢાંક્યો નહિં હોય તો એકોઇન્ટમેન્ટ માટે પ્રવેશની મંજૂરી આપવામાં આવશે નહીં.

હેનકોકે કહ્યું હતું કે ‘’આ પગલું હોસ્પિટલના તમામ કર્મચારીઓને સુરક્ષિત રાખવા માટે જરૂરી હતું. કારણ કે એનએચએસ યુનિટ્સે ધીમે ધીમે દર્દીઓને વધારવાનું શરૂ કર્યુ છે. અમને જણાયું છે કે જેઓ હોસ્પિટલમાં કામ કરે છે તે સૌને કોરોનાવાયરસનો ચેપ લાગે છે ચાહે તેઓ ક્લિનિકલ સેટિંગમાં કામ કરતા હોય કે બીજા વિભાગમાં. તેમણે ટાઇપ એક અથવા ટાઇપ બે સર્જિકલ માસ્ક પહેરવાનો રહેશે. અમે કેર હોમ્સમાં પણ ચેપ નિયંત્રણને મજબૂત બનાવવા સોશ્યલ કેર ક્ષેત્ર સાથે કામ કરી રહ્યા છીએ.’’

આ અગાઉ એક વરિષ્ઠ મિનીસ્ટરે ખરીદી કરવા જતા ગ્રાહકોને ચહેરો ઢાંકવાની ફરજ પાડવાની અપીલને નકારી હતી. ટ્રાન્સપોર્ટ સેક્રેટરી ગ્રાન્ટ શેપ્સ બુધવારે રાત્રે જાહેર કર્યું કે ‘’જે મુસાફરોએ પબ્લિક ટ્રાન્સપોર્ટમાં માસ્ક નહિં પહેર્યો હોય તેમને 15 જૂનથી £80નો દંડ ભરવો પડશે.

બ્રિટિશ મેડિકલ એસોસિએશનના વડા ડૉ. ચંદ નાગપૌલે કહ્યું હતું કે ‘’સામાજીક અંતર શક્ય ન હોય તેવા બધાં ક્ષેત્રોમાં ફરજિયાત ફેસ માસ્ક પહેરવો જોઇએ કે ચહેરો ઢાંકવો જોઇએ.’’

મેટ હેન્કોકે જાતે બ્લડ પ્લાઝ્માનું દાન કરીને જેઓ કોરોનાવાયરસથી સ્વસ્થ થયા હતા તેમને પણ બ્લડ પ્લાઝ્માનું દાન કરવા વિનંતી કરી હતી. તેમણે કહ્યું હતું કે ‘’જો તમને વાયરસ થયો હોય, તો પછી તમે લોકોને સાજા કરવામાં મદદ કરી શકો છો. કારણ કે તમારા લોહીમાં વાયરસ સામે લડી શકે તેવા એન્ટિબોડીઝ છે જેથી તમારા બ્લડ પ્લાઝ્માનું દાન કરવાથી તે લેનારા લોકોના શરીરમાં પણ એન્ટીબોડીઝ વધશે અને તેઓ પણ સાજા થઇ શકશે. કોરોનાવાયરસથી પીડાતા લોકોને સાજા કરવાની આ બહુ જ આસાન રીત છે.  જો તમને કોરોનાવાયરસનો ચેપ લાગી ચૂક્યો છે તો તમને એનએચએસ બ્લડ અને ટ્રાન્સપ્લાન્ટ વેબસાઇટ પર જઇ તમારા એન્ટિબોડીઝ એટલે કો બ્લડ પ્લાઝમાનું દાન કરવા વિનંતી છે. ‘’