(istockphoto.com)

સરકારે બાળકોમાં દવા અને માસ્કના ઉપયોગ અંગેની તેની કોરોના ગાઇડલાઇનમાં સુધારો કરતાં જણાવ્યું હતું કે કોરોનાનો ચેપ તીવ્ર હોય તો પણ 18 વર્ષથી ઓછી ઉંમરના બાળકોમાં એન્ટિવાયરલ દવા અથવા મોનોક્લોનલ એન્ટિબોડીનો ઉપયોગ ન કરવો જોઇએ અને જો સ્ટીરોઇડનો ઉપયોગ કરવામાં આવે તો તેની માત્રા ઘટાડીને 10થી 14 દિવસ કરવી જોઇએ.

આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે પાંચ વર્ષ અને તેનાથી ઓછી ઉંમરના લોકો માટે માસ્કની ભલામણ કરવામાં આવતી નથી. 6થી 11 વર્ષના બાળકો યોગ્ય રીતે માસ્ક પહેરવાની ક્ષમતાને આધારે માતાપિતાના સુપરવિઝન હેઠળ માસ્ક પહેરી શકે છે. 12 વર્ષથી મોટી બાળકોએ માસ્ક પહેરવા જોઇએ.

દેશમાં ઓમિક્રોનને પગલે કોરોનાના કેસોમાં ઉછાળો આવ્યો છે ત્યારે આ ગાઇડલાઇનમાં સુધારો કર્યો છે. તેમાં જણાવ્યા મુજબ કોરોના એક વાઇરલ ઇન્ફેક્શન છે અને જટિલ ન હોય તેવા કોરોના ચેપમાં એટીમાઇક્રોબિયલ્સની કોઇ ભૂમિકા નથી. એસિમ્પ્ટોમેટિક અને હળવા કેસોમાં એટીમાઇક્રોબિલય્સની ભલામણ કરવામાં આવતી નથી. મોડરેટ અને ગંભીર કેસોમાં એન્ટિમાઇક્રોબિયલ્સનો ઉપયોગ કરવો જોઇએ નહીં. જોકે સુપરએડેડ ઇન્ફેક્શનની ક્લિનિકલ આશંકાને આધારે તેનો ઉપયોગ કરી શકાય છે.