લંડનના મેયર સાદિક ખાને એક પ્રેસ કોન્ફરન્સ યોજી સરકાર દ્વારા નિર્ધારિત સમયમર્યાદામાં લંડનમાં 116,000 પોસાય તેવા ઘરો બનાવવા માટે સફળ થયા હોવાનો દાવો કર્યો હતો. જો કે તેઓ આ સફળતા હાંસલ કરવામાં બોરિસ જૉન્સનના ભાગનો ઉલ્લેખ કરવામાં નિષ્ફળ જતા લોકોએ હોબાળો મચાવ્યો હતો.

સાદિક ખાને વક્તવ્ય આપતાં જણાવ્યું હતું કે ‘’અમે 2023 સુધીમાં 116,000 પરવડે તેવા ઘરોના સરકાર દ્વારા નિર્ધારિત લક્ષ્‍યાંકને પહોંચી વળવામાં સફળ થયા છીએ. ગયા વર્ષે 25,000થી વધુ ખરા અર્થમાં પરવડે તેવા ઘરો પર કામ શરૂ થયું, જે એક વિક્રમ છે. જે અગાઉના મેયરના કાર્યકાળના અંતે મેનેજ કરવામાં આવેલા સ્તર કરતાં વધુ છે. અભૂતપૂર્વ આર્થિક ઉથલપાથલ છતાં લંડનના દરેક બરોમાં પોસાય તેવા ઘરોનું બાંધકામ ચાલુ છે.’’

મેયરે ઘરોના ભાડા ફ્રીઝ કરવાની સત્તાઓ માટે સરકારને અપીલ કરી હતી. મે 2016માં જ્યારે સાદિક મેયર બન્યા ત્યારે લંડનમાં એફોર્ડેબલ હાઉસિંગની શરૂઆત શહેરની જરૂરિયાત કરતાં ઘણી ઓછી હતી. છેલ્લા સાત વર્ષોમાં 116,000 ઘરો વિતરિત કરવામાં આવ્યા છે જે પ્લેમથના કદના શહેર જેટલા છે. ગયા વર્ષે લંડનમાં રેકોર્ડબ્રેક 25,658 ઘર તથા 2021/22માં 18,840 ઘર બનાવાયા હતા.

લિબરલ ડેમોક્રેટ લંડન એસેમ્બલીના સભ્ય કેરોલિન પિજને ટ્વિટ કર્યું હતું કે “તથ્ય તપાસો! જો તમે ડેટા પર નજર નાખો તો તેમાં બોરિસના કાર્યકાળના અંતિમ વર્ષ 2015/16નો સમાવેશ થાય છે. વાસ્તવિકતા એ છે કે મેયરે 109,593 બનાવ્યા છે જે તેમના પોતાના લક્ષ્યથી ઓછા છે.”

વધુ ઘર બનાવવાના ચેમ્પિયનિંગ ઝુંબેશ જૂથે પ્રાઇસ્ડ આઉટે કહ્યું હતું કે “હાઉસિંગ કટોકટીના કેન્દ્રમાં કેટલીક વાસ્તવિક પ્રગતિ જોઈને આનંદ થયો! વધુ કામ કરવાનું બાકી છે. ખાસ કરીને ગ્રીનીચ અને બ્રેન્ટ તરફથી શ્રેષ્ઠ કામગીરી થઇ છે.”

LEAVE A REPLY

11 + six =