દિલ્હીમાં જન્મેલા ભારતીય મૂળના બિઝનેસમેન અને બેન્કર 63 વર્ષીય તરૂણ ગુલાટી બીજી મે’ના રોજ યોજાનારી લંડનના મેયરની ચૂંટણીમાં અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી લડી રહ્યા છે અને એક અનુભવી CEO તરીકે “લંડનનું પરિવર્તન કરીવા કટિબધ્ધ છે. તેઓ મેયર પદ માટે અન્ય 13 ઉમેદવારો સામે લડનાર છે.

સિટીબેંક અને એચએસબીસી સાથે છ દેશોમાં કામ કરનાર HSBCના પૂર્વ ઇન્ટરનેશનલ મેનેજર (IM) તરૂણ ગુલાટીએ કહ્યું હતું કે “હું લંડનને એક અનોખા વૈશ્વિક શહેર તરીકે જોઉં છું. તે વિશ્વની વૈશ્વિક બેંક જેવું છે, જ્યાં સમગ્ર વિશ્વના લોકો એકઠા થાય છે. મેયર તરીકે, હું લંડનની બેલેન્સશીટ એવી રીતે બનાવીશ કે તે રોકાણનું અગ્રણી સ્થળ બને અને શહેરના તમામ રહેવાસીઓ માટે સુરક્ષા અને સમૃદ્ધિ સુનિશ્ચિત કરે. લંડનવાસીઓ માટે આ એક વીન-વીન સ્થિતી હશે. હું એક અનુભવી સીઈઓની જેમ લંડનને અસરકારક અને કાર્યક્ષમ રીતે બદલીશ અને ચલાવીશ. લંડન એક નફાકારક કોર્પોરેટ બનશે જ્યાં નફાકારકતાનો અર્થ બધાની સુખાકારી હશે. તમે બધા આ પ્રવાસનો ભાગ બનશો. અમે ULEZ, LTN તથા 20 માઇલ પ્રતિ કલાકની ઝડપ મર્યાદા જેવી ખરાબ નીતિઓ નથી ઈચ્છતા. ક્લાઈમેટ ચેન્જ થઈ રહ્યું છે અને આપણે તેની અસરોને ઓછી કરવાની જરૂર છે. પણ આપણે જે પણ ફેરફારો કરવા છે તે લોકોના અભિપ્રાયને અનુરૂપ હોવા જોઈએ.”

લંડનના મેયર તરીકે ત્રીજી વખત લંડનના મેયર પદ માટે ચૂંટણી લડી રહેલા વર્તમાન લેબર નેતા સાદિક ખાનની કેટલીક અપ્રિય નીતિઓને સમાપ્ત કરવાનો મુખ્ય એજન્ડા ધરાવતા તરૂણ ગુલાટી અલ્ટ્રા લો એમિશન ઝોન (ULEZ) ફી અને લો ટ્રાફિક નેબરહુડ્સ (LTN) સાથે સંકળાયેલા ઊંચા ખર્ચને દૂર કરવા માંગે છે.

કન્ઝર્વેટિવ પાર્ટીના ઉમેદવાર સુઝાન હોલ પર નિશાન સાધતાં તરૂણ ગુલાટીએ કહ્યું હતું કે ‘’તેઓ ઘણા વર્ષોથી લંડન એસેમ્બલીના સભ્ય હોવા છતાં આ નીતિઓને રોકવામાં નિષ્ફળ રહ્યાં છે. જો રાજકીય ઉમેદવારોએ જે કરવાનું હતું તે કર્યું હોત, તો હું ક્યારેય મેયરની ચૂંટણી લડત નહીં. યુકેની રાજધાનીના નાગરિકોને તમામ મુખ્ય રાજકીય પક્ષોએ નિરાશ કર્યા છે.”

તરૂણ ગુલાટી એફોર્ડેબલ હાઉસિંગ આપવા, લંડનમાં પ્રવાસનને પ્રોત્સાહન આપવા, મફત સ્કૂલ મીલ આપવા અને કાઉન્સિલ ટેક્સ ઘટાડવા જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે. શહેરના રસ્તાઓ પર સલામતી તેમની અન્ય મુખ્ય પ્રાથમિકતાઓમાંની એક છે, જેમાં નજરે પડે એવું કોમ્યુનિટી પોલીસિંગ અને વધુ અધિકારીઓ બીટ પર પેટ્રોલિંગ કરી રહ્યાં હોય તે છે. જેથી મહિલાઓ માટે રાત્રે ચાલવા માટે શેરીઓ સુરક્ષિત બને અને લૂંટારાઓ અને ઘરફોડ ચોરી કરનારાઓને પકડીને સજા કરવામાં આવે.”

તેમણે દાવો કર્યો હતો કે તેમની મેયરપદની ઉમેદવારીને ટેકો આપવા માટે તેમણે જરૂરી સહીઓ મેળવવા માટે સમગ્ર લંડનમાં બરોથી બરો સુધી પ્રચાર કર્યો હતો.

LEAVE A REPLY

fourteen − 11 =