(Photo by Matthew Stockman/Getty Images)

રશિયાન ટેનિસ સ્ટાર ડેનિલ મેડવેડેવે વર્લ્ડ નંબર વન ટેનિસ સ્ટાર, સર્બિયાના નોવાક જોકોવિચનું 2021માં કેલેન્ડર સ્લેમ (એક જ કેલેન્ડર વર્ષમાં ચારેય ગ્રાંડ સ્લેમ જીતવાની સિદ્ધિ) રવિવારે અમેરિકાના ફ્લશિંગ મેડોઝ ખાતે રોળી નાખ્યું હતું. યુએસ ઓપનની પુરૂષોની સિંગલ્સની ફાઈનલમાં સીધા સેટ્સમાં મેડવેડેવે 6-4, 6-4, 6-4 થી જોકોવિચને હરાવી યુએસ ઓપનનો ખિતાબ હાંસલ કર્યો હતો. મેડવેડેવનું આ પહેલું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ છે.

જોકોવિચનું ફક્ત કેલેન્ડર સ્લેમ નહીં, 21મું ગ્રાન્ડ સ્લેમ ટાઈટલ જીતવાનું સપનું પણ રોળાયું હતું. તે યુએસ ઓપનનો ખિતાબ હાંસલ કરી શક્યો હોત તો પુરુષ ખેલાડીઓમાં સૌથી વધુ સિંગલ્સ ગ્રાન્ડ સ્લેમ જીતનારો પહેલો ખેલાડી બન્યો હોત.

હાલમાં જોકોવિચ, રોજર ફેડરર અને રાફેલ નડાલ 20-20 ગ્રાન્ડ સ્લેમ વિજેતા તરીકે સંયુક્ત રીતે પહેલા સ્થાને છે. મેડવેડેવ આ વર્ષની શરૂઆતે ઓસ્ટ્રેલિયન ઓપનની ફાઈનલમાં પણ જોકોવિચ સામે ટકરાયો હતો, પણ એ વખતે જોકોવિચે તેને હરાવી દીધો હતો. એ પછી વર્ષના છેલ્લા ગ્રાન્ડ સ્લેમમાં મેડવેડેવે જોકોવિચને ઈતિહાસ સર્જતા અટકાવીને જાણે બદલો લીધો હતો.કેલેન્ડર સ્લેમ છેલ્લે રોડ લેવરે 1962 અને 1969માં હાંસલ કર્યો હતો. મહિલાઓમાં જર્મનીની સ્ટેફી ગ્રાફે 1988માં એ સિદ્ધિ મેળવી હતી.