ડચેસ ઓફ સસેક્સ મેગન માર્કલે મેઇલ ઓન સન્ડે વિરુદ્ધ કરેલો હાઇકોર્ટના કેસનો પ્રથમ રાઉન્ડ ગુમાવ્યો છે અને કોર્ટના દસ્તાવેજોમાં બહાર આવ્યું છે કે તેમણે કાનૂની ખર્ચના £67,000 ચૂકવવા સંમત થયા છે. મેગને હાઈકોર્ટને પોતાના મિત્રોના નામ ગુપ્ત રાખવા જણાવ્યું છે. મેગનના પિતા થોમસ માર્કલે પણ મેઇલ ઓન સન્ડે સાથે વાત કરી પોતાનો બચાવ કરવા માટે એક નોંધ શેર કરી હતી.

ડચેસે તેના પિતા થોમસને લખેલો એક હસ્તલિખિત પત્ર એસોસિએટેડ ન્યૂઝપેપર્સ લિમિટેડ (એએનએલ) અખબારના પ્રકાશક અને મેઇલ ઑનલાઈનમાં ફેબ્રુઆરી 2019માં પ્રકાશિત કર્યો હતો. પરંતુ મે માસમાં, હાઈકોર્ટના જજ વાર્બીએ મેગનના દાવાના કેટલાક ભાગો પર વાંધો ઉઠાવ્યો હતો. જુલાઈ 22ના રોજ મેગનની લેખિત રજૂઆતમાં જણાવાયું હતું કે તેઓ પ્રકાશકને થયેલા સુનાવણી માટેના £67,888ના સંપૂર્ણ ખર્ચને ચૂકવવા સંમત થયા છે.

મેગન માને છે કે પાંચ મહિલા મિત્રો જેમણે તેમના વિશે પીપલ્સ મેગેઝિનને માહિતી આપી હતી તેમનુ નામ જાહેર થવાથી અને એસોસિએટેડ અખબારો સામે દાવાને આગળ વધારવા જતા તેના પિતા થોમસને મોકલવામાં આવેલા પત્રો જાહેર થવાથી તેને ‘અસ્વીકાર્ય કિંમત’ (નુકશાન) ચૂકવવી પડશે. 2019માં પીપલ્સ મેગેઝિન લેખના સ્ત્રોત તરીકે આ પાંચ મહિલાઓના નામ મેગન દ્વારા આ મહિનાની શરૂઆતમાં કોર્ટમાં આપવામાં આવ્યા હતા, જોકે તેમની ઓળખ જાહેર કરવામાં આવી ન હતી. ડચેસે લંડનની રૉયલ કોર્ટ્સ ઑફ જસ્ટિસની સુનાવણીમાં મહિલાઓ, તમામ ‘યુવાન માતાઓ’ ની ઓળખ ગુપ્ત રાખવા હુકમ કરવા માટે અરજી કરી છે. પરંતુ અરજીની સુનીવણી દરમિયાન મેગનના વકીલ ક્યુસી જસ્ટિન રશબ્રૂકે આકસ્મિક રીતે કહ્યું હતું કે પાંચ મિત્રોમાંથી એકની અટક ડચેસ ઑફ સસેક્સ ગુમનામ રાખવા માંગે છે.

જજ વાર્બી ઓગસ્ટમાં આ મુદ્દે ચુકાદો આપે તેવી સંભાવના છે અને તેમણે તાત્કાલિક નિર્દેશ આપ્યો છે કે વ્યક્તિના નામની જાણ કરવામાં ન આવે.